બાયલાની જેમ શું રડો છો, એમ કહી લગ્નેતર સંબંધોનો અંત લાવવાનું પત્નીએ કહેતા પતિએ બે બાળકોને ઝેરી દવા પીવડાવી ખુદ પણ કરી લીધી આત્મહત્યા

બાયલાની જેમ શું રડો છો, એમ કહી લગ્નેતર સંબંધોનો અંત લાવવાનું કહેતા પતિને ફાલ્ગુની ઠપકારતી હતી 'તમારે મરી જવું હોય તો મરી જાઓ, મને મારી લાઇફ જીવવા દો' પત્નીના આ ટોણાંથી દુભાયેલા શિક્ષકે બે બાળકો સાથે જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા કરતાં પહેલા અલ્પેશ સોલંકીએ આઠ પાનાની સ્યૂસાઇડ નોટ લખી પોતાની સ્કુલ બેગમાં મૂકી દીધી હતી અને શાળાએ મૂકી આવ્યો હતો એ બેગ લઇ આવવા અલ્પેશે બમરોલી રહેતા નાના ભાઈ જીગ્નેશને કહ્યું હતું, બાળકોને સોસિયોમાં ઉંદર મારવાની દવા પીવડાવી, બંનેના મૃતદેહ બેડ પર મૂક્યા બાદ ફાંસો ખાધો

બાયલાની જેમ શું રડો છો, એમ કહી લગ્નેતર સંબંધોનો અંત લાવવાનું પત્નીએ કહેતા પતિએ બે બાળકોને ઝેરી દવા પીવડાવી ખુદ પણ કરી લીધી આત્મહત્યા
| Edited By: | Updated on: Aug 02, 2025 | 2:10 PM

સુરતના અઠવાલાઇન્સ રોડ ઉપર જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા પીટીના શિક્ષકે ગુરુવારે બપોરે ઝેર પીવડાવી બે દિકરાઓની હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. શિક્ષકે આપઘાત કરતા પહેલા લખેલી ચિટ્ઠી તપાસ દરમિયાન પોલીસે કબજે લીધી હતી. આ ચિઠ્ઠીમાં પત્નીના જિલ્લા પંચાયત કચેરીમાં નોકરી કરતાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી સાથે લગ્નેતર સંબંધો ઉપરાંત પત્ની દ્વારા મ્હેણાં ટોણાં મારી કરાતા અપમાનની દર્દભરી દાસ્તાં વ્યક્ત કરાઇ હતી. ઉમરા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આ બંનેની ધરપકડ કરી હતી.

મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા 41 વર્ષીય અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી પત્ની ફાલ્ગુની તથા બે સંતાનો સાથે રહેતા હતા. પોલીસ લાઈનમાં રહેવા દરમિયાન પ્રેમ થતાં તેમણે લગ્ન કરી સંસાર માંડ્યો હતો. દામ્પત્ય જીવન બે પુત્રો ક્રીશીવ અને કર્નિશનો જન્મ થયો હતી. અલ્પેશભાઈ ડિંડોલીની મેરીમાતા સ્કૂલમાં પીટીના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેની પત્ની જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે.

ગુરુવારે શિક્ષક અલ્પેશભાઈએ આઠ વર્ષના પુત્ર ક્રિશીવ અને અઢી વર્ષના પુત્ર કર્નિશને સોડામાં ઝેર પીવડાવી બંનેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરમાં તપાસ દરમિયાન પોલીસને અલ્પેશે લખેલી આઠ પાનાની સૂસાઇડ નોટ મળી આવી હતી. આપઘાત પૂર્વેની આ ચિઠ્ઠીમાં અલ્પેશે છેલ્લા ત્રણ મહિનાની પીડાનું વર્ણન કર્યું હતું, પત્નીના સહકર્મી સાથેના અફેરથી તેઓ ભાંગી પડ્યા હતા, જ્યારે તેમણે પત્ની સાથે આ વિશે વાત કરતાં ત્યારે પત્ની બાયલાની જેમ શું રડો છો એમ કહી મ્હેણાં ટોણાં મારતી હતી. ચોરી ઉપરથી સિનાજોરી જેવો પત્નીનો દુર્વ્યવહાર સહન ન થતાં અલ્પેશે આંત્યંતિક પગલું ભર્યું હતું.

આ મામલે પોલીસે અલ્પેશના નાના ભાઈ જીગ્નેશકુમાર કાંતિલાલ સોલંકી (રહે, અરુણ ઉદય સોસાયટી, આશાપુરી, બમરોલી રોડ સુરત)ની ફરિયાદ લીધી હતી. જિગ્નેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 31મી તારીખે પોણા બાર વાગ્યે મોટાભાઈ અલ્પેશે તેને કોલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “હું મારી બેગ મારી સ્કૂલ માં ભૂલી ગયો છું. તો તું મારી સ્કૂલમાં જઈને મારી બેગ મેળવી લેજે.” જેથી જીગ્નેશ ઘરેથી અલ્પેશની સ્કુલે ગયો અને બેગ લઇ આવ્યો હતો.

બાદમાં સાંજે આશરે સાડા ચારેક વાગ્યે અલ્પેશના સાઢુ ભાઈ મયુર ચૌધરીએ જીગ્નેશને કોલ કરી “અઠવાગેટ તમારા ભાઇના ઘરે તાત્કાલીક આવી જાઓ” તેમ કહ્યું હતું. આ કોલ બાદ જીગ્નેશ જિલ્લા પંચાયત કવાટર્સ પહોંચ્યો હતો. જ્યાં ઘરમાં અલ્પેશ પંખાના હુક સાથે દોરડા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા તથા બે દિકરા ક્રિશીવ ઉ.વ.આ.૭ વર્ષ તથા કર્નિશ ઉ.વ.આ. ૨.૫ વર્ષનો બેડ ઉપર પડેલા હતા. બેડ ઉપર સોસીયો ની બોટલ અને તેની બાજુમાં બે સ્ટીલના ગ્લાસ પડ્યા હતા તથા કીચનમાં bitter (POWERFUL PROTECTION FORM RATS) નામની દવાની બોટલ પડેલ હતી. જેથી અલ્પેશે બે દિકરાઓને દવા પીવડાવી મારી નાંખ્યા બાદ પોતે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જણાયું હતું.

અલ્પેશ અને બંને ભત્રીડાઓની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ જીગ્નેશે સ્કુલમાંથી લીધી હતી એ બેગ ચેક કરી હતી. જેમાંથી અલ્પેશે લખેલી બે ડાયરીઓ તથા એક આઠ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. આ ડાયરીઓ, સુસાઇડ નોટ વાંચતા જાણવા મળ્યું હતું કે, અલ્પેશને છેલ્લા ઘણા સમયથી તેમની પત્ની- ફાલ્ગુનીબેન તથા તેણીના પ્રેમી- નરેશભાઇ રાઠોડ ના લગ્નેત્તર આડા સબંધો હોવાની માહિતી હતી. જેના કારણે તેઓ અંદરો અંદર મુંઝાતા હતા. આ બાબતે અલ્પેશે પત્ની ફાલ્ગુની તથા નરેશભાઈ રાઠોડને સમજાવ્યા પણ હતાં. જો કે, તેઓ માન્યા નહીં અને તેઓના લગ્નેત્તર આડા સબંધો ચાલુ રાખ્યા હતાં.

ડાયરીના લખાણ મુજબ અલ્પેશે પત્ની ફાલ્ગુનીને ઘણી વખત લગ્નેત્તર આડા સંબંધ ન રાખવા સમજાવી હતી. જો કે, તેણીએ તોછડાઈ ભર્યુ વર્તન કર્યું હતું, તમારે જે કરવું હોય તે કરો, “મરી જવુ હોય તો મરી જાઓ. પરંતુ મને મારી લાઇફ જીવવા દો’ એમ કહી ધૂત્કાર્યા હતાં. અવાર નવાર આવી વાતો કરી તેણીએ મરી જવા માટે દુષ્પ્રરણ પુરૂ પાડયું હતું. પત્ની અને તેના પ્રેમી નરેશ રાઠોડની કરતૂતોના કારણે અલ્પેશે બે દિકરાઓને મારી પોતે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસે ગુનો નોંધવા સાથે ફાલ્ગુની તથા જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા અલ્પેશ રાઠોડની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળે છે.

ફાલ્ગુની સાથેના પ્રેમસંબંધથી લઇ તેણીના લગ્નેતર સંબંધો સુધીની વાતોથી ભરેલી બે ડાયરી પણ મળી. સુસાઇડ નોટમાં અલ્પેશે એક એવી વાત લખી છે, જેના કારણે તે કેવી મનઃ સ્થિતિમાં હતા એ અંગે ખબર પડી જાય છે. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે જ્યારે પત્નીના પ્રેમ સંબંધ અંગે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે તેમને પત્નીને કીધું કે આ બધું ભૂલીને આપણે સાથે પહેલાંની જેમ રહીએ. પછી તે સુસાઇડ નોટમાં લખે છે કે જ્યારે પણ આ અંગે તે ચર્ચા કરતા હતા ત્યારે તે રડી પડતા હતા. તેમને રડતાં જોઈ પત્ની તેમને કહેતી હતી કે શું બાયલાની જેમ રડે છે. આ વાતથી તેઓ ખૂબ જ દુભાયા હતા. પત્નીએ તેમને કહ્યુ હતું કે આવી રીતે સંબંધો થતા હોય છે, તમારે જે કરવું હોય તે કરો મને મારી લાઇફ જીવવા દો. આ ઉપરાંત અલ્પેશની બેગમાંથી બે ડાયરી પણ મળી છે. આ ડાયરીમાં ફાલ્ગુની સાથેના પ્રેમ સંબંધથી લઇ તેણીના લગ્નબાદના આડા સંબંધ સુધીની વાતો લખાયેલી છે. પોલીસ આ ડાયરીઓનો અભ્યાસ કરી અલ્પેશની મનોસ્થિતિ જાણવા પ્રયાસ કરી રહી છે.

અઢી વર્ષનું બાળક અનૈતિક સંબંધોથી થયુ હશે એવી શંકાએ અલ્પેશને હચમચાવી દીધો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આઠ પાનાની સુસાઇડ નોટમાં અલ્પેશે જે વાતો લખી છે એમાં એવો નિચોડ બહાર આવે છે કે, ફાલ્ગુનીના સહકર્મચારી નરેશ રાઠોડ સાથેના લગ્નેતર સંબંધોના કારણે તેમનું દાંપત્ય જીવન દોઝખ બની ગયું હતું. અલ્પેશે ફાલ્ગુનીને સમજાવી પાછી વાળવા ઘણાં પ્રયત્નો કર્યા હતાં. જો કે, તેણી હવે બધું પુરુ એમ કહેતી તો ખરી પરંતુ કરતી ન હતી. નરેશ રાઠોડ સાથેના લગ્નેતર સંબંધના દળદળમાં ખૂંપી ગયેલી ફાલ્ગુનીએ ન તો પતિ સામે જોયું કે ન સંતાનોનો વિચાર કર્યો. ફાલ્ગુનીની કથની અને કરણીમાં ફરક દેખાતાં અલ્પેશ તેની દરેક વાતે શંકા કરવા માંડ્યો હતો. જેના કારણે પણ ફાલ્ગુની સાથેનો તણાવ વધી ગયો હતો. અલ્પેશ એક તબક્કે એવું પણ વિચારવા માંડ્યો હતો કે, કદાચ બે વર્ષનું બાળક પણ આ આડા સંબંધોનું પરિણામ હશે. આ શંકા માત્રથી અલ્પેશ હચમચી ગયો અને પોતાના તથા બાળકોના ભવિષ્ય અંગે સાચા ખોટા વિચારો કરવા માંડ્યો હતો.

બાળકોના મૃતદેહની આસપાસ ફોટા ગોઠવ્યા, સુખદ પળોને આંખો સામે રાખી ફાંસો ખાધો

મૃતક અલ્પેશભાઈ ગુરુવારે(31 જુલાઈ) બપોરે ક્રિશિવને સ્કૂલમાંથી જ્યારે નાનો પુત્ર કર્નિશને આંગણવાડીમાંથી ઘરે લઈ આવ્યા હતા. બાદમાં મૃતકે બંને પુત્રની સોડામાં રેટ કિલર ઝેર નાખ્યું હતું અને બંને પુત્રોને પિવડાવ્યું હતું, જેથી તેઓ ગણતરીના સમયમાં જ મોતને ભેટયા હતા. બંનેનાં મોત થયા બાદ અલ્પેશ તેઓને છાતી સાથે ચાંરી ચોધાર આંસુએ રહ્યો હતો. એ માસૂમોના મૃતદેહને બેડ પર મૂક્યા હતા. ત્યાર બાદ તેમણે ઘરમાં નાનપણથી અત્યાર સુધીના વિવિધ પ્રસંગનાં બાળકોના ફોટો ફ્રેમ ભેગા કરી બંને મૃત પુત્રોની આજુબાજુ ગોઠવ્યા હતા. બાળકોને ચિર નિંદ્રામાં પોઢાવી દીધા બાદ અલ્પેશે પણ ફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. પરિજનોએ એવું પણ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં અલ્પેશભાઈ અને તેની પત્નીએ લવ મેરેજની યાદગીરીમાં હાથ પર ટેટૂ પડાવ્યાં હતાં. દંપતિનું જીવન બાહ્ય રીતે સામાન્ય લાગતું હતું, પરંતુ આ ઘટનાએ દરેકને હચમચાવી નાખ્યા છે.

વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો