Surat: અલગ અલગ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સના EMT એ 2 મહિલાઓની કરાવી સફળ ડિલિવરી
સંગીતાબેન 9 મહિનાના ગર્ભવતી હતા અને તેમને અચાનક જ ઘેર પ્રસૂતીનો દુખાવો ઉપડતા 108 બોલાવવામાં આવી હતી અને નજીકના કરંજ હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે તે દરમિયાન કરંજ હેલ્થ સેન્ટર પહોંચતા પહેલા જ આ ઘટનામાં પણ બાળકનું માથું બહાર આવી જતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.

108ની સેવા દર્દીઓ માટે દેવદૂત બનીને આવતી હોય છે, તેમાંય પ્રસૂતા મહિલા અને તેના બાળક માટે આ 108ની સેવા સંજીવની સાબિત થાય છે. આવી જ જુદી જુદી બે ઘટનામાં 108ના કર્મચારીઓે મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી. આ બંને મહિલાઓ અને તેમના નવજાત બાળકો હાલમાં સ્વસ્થ છે.
ઘટનાઓ અંગે વિગતો જોઈએ તો સુરતના અમરોલી વિસ્તારના સતાધાર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય મહિલા રીનાબેન જગાભાઈ પ્રધાનની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં જ કરવાની ફરજ પડી હતી. રીનાબેન પ્રધાનને 9 માસનો ગર્ભ હતો, ત્યારે મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો, આથી પરિવારજનોએ તેમને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ બાળકનું માથું બહાર આવી જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ રીનાબેનની ડિલિવરી કરાવાની જરૂર પડી હતી.
જેને લઈ 108ના EMT અલ્પેશ ચૌહાણે વધુ સમય ન બગાડી, કતારગામ દરવાજા પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી દીધી હતી અને ડિલિવરી કીટ વડે ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો હતો. 108ના કર્મચારી દ્વારા ખૂબ જ સાવધાની પૂર્વક ડિલિવરી કરાવવામાં આવી હતી અને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં તંદુરસ્ત સાડા ત્રણ કિલોના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળક બંનેને 108 દ્વારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.
તો અન્ય એક ઘટનામાં સુરતના કાપોદ્રામાં ઘનશ્યામ નગરમાં રહેતી યુવતી સંગીતાબેન 9 મહિનાના ગર્ભવતી હતા અને તેમને અચાનક જ ઘેર પ્રસૂતીનો દુખાવો ઉપડતા 108 બોલાવવામાં આવી હતી અને નજીકના કરંજ હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે તે દરમિયાન કરંજ હેલ્થ સેન્ટર પહોંચતા પહેલા જ આ ઘટનામાં પણ બાળકનું માથું બહાર આવી જતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.
એમબ્યુલન્સના EMT મોગરાબેન વસાવાએ સંગીતાબેનની સફળ ડિલિવરી કરાવીને અઢી કિલોની સ્વસ્થા બાળકીનો જન્મ કરાવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતેથી માતા અને બાળકીને વધુ સારવાર માટે કરંજના હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા.