ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓનો વધારો થયો છે. ત્યારે સુરતમાં થોડા દિવસ પહેલા એક વૃદ્ધાને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર સાયબર ગઠિયાઓમાંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પણ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેલે અમદાવાદથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો ઘટનાની વાત કરીએ તો સાયબર ગઠિયાઓએ મુંબઈના પોલીસ અધિકારીના નામે ફોન કરી ધમકી આપી હતી.
આરોપીઓએ વૃદ્ધાને મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાની ધમકી આપી હતી. FIRથી બચવું હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. ફરિયાદ પાસેથી વિવિધ બેંક ખાતામાં રુપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ સામે દેશમાં 28 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આરોપી કેસર દેવડાની પણ ગુનામાં મહત્ત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં નિવૃત વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 1.71 કરોડની ઠગાઇના કેસમાં આ અગાઉ સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં અમદાવાદના રહેવાસી મુકેશ પટેલ તેમજ મેહુલ પટેલની ધરપકડ કરી હતી. મુકેશ ટૅક્સી ડ્રાઇવર છે અને તે તેના બેન્ક એકાઉન્ટ ભાડે આપી કમિશન કમાતો હતો. તે આ કેસમાં મુખ્ય સંડોવાયેલા મેહુલ પટેલને તેનું ખાતું ભાડે આપતો હતો. મેહુલે મુકેશ પાસેથી બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી કૌભાંડ આચર્યું હતું.
શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધના આધાર કાર્ડનો દુરૂપયોગ કરી અજાણ્યા શખ્સોએ સીમ કાર્ડ મેળવી તેના દ્વારા કેનરા બેંકમાં ખોટું ખાતું ખોલાવ્યું હતુ. આ ખાતું મની લોન્ડરિંગ અને નાણાકીય ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આરોપીઓએ પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવી, બોગસ CBIના લેટર અને ઓળખપત્રો દેખાડીને ફરિયાદી ઉપર દબાણ કર્યું હતુ. આ કૌભાંડમાં તેઓએ 15 દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટમાં રાખી તેમની પાસેથી 1.71 કરોડ પડાવ્યા હતા.
Published On - 3:02 pm, Thu, 26 December 24