Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતુ કે, સરકારી કર્મચારીઓની (Government employees) ફરજમાં અવરોધ ઉભો કરવો અને તેમના પર કરવામાં આવેલો હુમલો જેવા ગુનામાં જો આરોપીઓને (Accused) પ્રોબેશનનો લાભ આપવામાં આવશે તો સમાજ તરફ એક ખોટો સંદેશ જશે.
ગુજરાતમાં (Gujarat) હાલમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો (Stray Cattle Control Laws) વિવાદ ચાલી રહ્યો છે. ઠેર ઠેર થતા વિરોધ પ્રદર્શનોના કારણે ગુજરાત સરકારે આ કાયદો હાલમાં મોકુફ પણ રાખ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં (Surat) પાંચ વર્ષ પહેલા રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ (SMC)પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ આરોપીઓને રૂપિયા 5-5 હજારનો દંડ ફટકારાયો છે અને જો આ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફટકારવા કોર્ટે આદેશ કર્યો છે.
સુરતમાં પાંચ વર્ષ પહેલા જાહેર રોડ પરથી રખડતા ઢોર પકડવા ગયેલી સુરત કાર્પોરેશનની ટીમ સાથે બોલાચાલી કરી આરોપીઓએ પથ્થરમારો કર્યો હતા. સાથે જ પાલિકાના વાહનોને નુકસાન કરીને ચાર આરોપીઓ ઢોર છોડાવી ગયા હતા. ત્યારે જયુડીશયલ મેજીસ્ટ્રેટ અતીત એમ મહેતાએ ચારેય આરોપીઓને તમામ ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આ આરોપીઓને બે વર્ષની જેલ, રૂ.5 -5 હજાર મળી કુલ 20 હજારનો દંડ ફટકાર્યો છે અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતુ કે, સરકારી કર્મચારીઓની ફરજમાં અવરોધ ઉભો કરવો અને તેમના પર કરવામાં આવેલો હુમલો અને સરકારી મિલકતને નુકસાન જેવા ગુનામાં જો આરોપીઓને પ્રોબેશનનો લાભ આપવામાં આવશે તો સમાજ તરફ એક ખોટો સંદેશ જશે. જે કાયદા અને વ્યવસ્થા માટે હિતાવહ નથી. માટે આરોપીઓને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ આપવો એ અદાલતને ન્યાયોચિત જણાતું નથી.
કેસની વિગત મુજબ 1 માર્ચ, 2017ના રોજના મહાનગર પાલિકાની ટીમ ઉધના ખાતે આવેલા અંબાનગરમાં ઢોર પકડવા માટે ગઈ હતી. ત્યારે તે સમયે આરોપીઓ શશિકાંત યાદવ, અખિલેશ યાદવ, રવીકાંત યાદવ અને મોનુ યાદવે પોતાના ઢોરને છોડાવવા માટે મહાનગર પાલિકાના સ્ટાફ ઉપર પથ્થરમારો કર્યો હતો અને ઢોર છોડાવી લીધા હતા. મહાનગર પાલિકાના કર્મચારીઓ પર હુમલાની આ ઘટના બાદ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. કોર્ટમાં કેસ ચાલતા એપીપી આર.એસ.મોઢ અને એપીપી પી.એમ.પટેલની દલીલો બાદ કોર્ટે આરોપીઓને બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad : ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા અને ફરિયાદોમાં વધારો થયો
આ પણ વાંચોઃ Ahmedabad : જર્નાલિઝમના ડિજિટલ માર્કેટિંગના પેપરમાં કોર્સ બહારના સવાલ પૂછાતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો