Surat : વિકાસના કામો વેગવંતા બનાવવા કોર્પોરેશન અપનાવશે પીપીપી મોડેલ
આવક સમીક્ષા કમિટિ સુરત મહાનગર પાલિકાની તમામ રેવન્યુ અને કેપિટલ આવક સામે ખર્ચના સરવૈયાનું વિશ્લેષણ અને મુલ્યાંકન કરીને આવક વધારવા માટેનું આયોજન હાથ ધરશે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેરાત સહિતના અન્ય સ્ત્રોત થતી આવક વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે.
સુરત મહાનગરપાલીકાનું (Surat Municipal Corporation ) તંત્ર તળિયા ઝાટક તિજોરી વચ્ચે વિકાસના (Development ) કામોને વેગવંતા બનાવવા માટે હવે શાસકો પીપીપી મોડલને (PPP Model ) આધીન થઈ ચુક્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. શહેરજનોના સુખાકારી માટે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, ગાર્ડન અને શાક માર્કેટ વગેરે નજીકના ભવિષ્યમાં ખાનગી કંપનીઓને પીપીપી મોડેલથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે સુરત મહાનગર પાલિકાને આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે અને બીજી તરફ સરકારી ગ્રાન્ટ પર આશ્રિત બજેટમાં શાસકોની મજબુરી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેને પગલે હવે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓડિટોરિયમ ગાર્ડન જ નહીં પરંતુ શાક માર્કેટો પણ પીપીપી મોડેલથી ડેવલપ કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે.
શાસકો દ્વારા પીપીપી મોડેલથી શહેરીજનોને વધુ સારી વ્યવસ્થા અને સુવિધા મળી રહેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.જોકે વધતા ખર્ચને પહોંચી વળવા શાસકો પીપીપી મોડેલના ભરોસે છે. જેથી હવે ઓડિટોરિયમ, ગાર્ડન, શાક માર્કેટો અને કોમ્યુનિટી હોલ પીપીપીને હવાલે કરવામાં આવશે.
આડેધડ થતાં ખર્ચાઓનું મુલ્યાંકન કોણ કરશે ? વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે આ વર્ષે પણ પાલિકા દ્વારા બજેટમાં કોઈપણ પ્રકારના કર દરમાં વધારો કરવાનું જોખમ ટાળવામાં આવ્યું છે. જેને પગલે સતત ઘટતી આવક સામે વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે શાસકો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના નામાંકિત નિષ્ણાંતોની નિમણૂંક કરીને આવક સમિક્ષા કમિટિની રચના કરવામાં આવશે.
આવક સમીક્ષા કમિટિ સુરત મહાનગર પાલિકાની તમામ રેવન્યુ અને કેપિટલ આવક સામે ખર્ચના સરવૈયાનું વિશ્લેષણ અને મુલ્યાંકન કરીને આવક વધારવા માટેનું આયોજન હાથ ધરશે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેરાત સહિતના અન્ય સ્ત્રોત થતી આવક વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે. અલબત્ત, આ સમીક્ષા દ્વારા રેવન્યુ અને કેપિટલ આવકની સાથે – સાથે આડેધડ થતાં ખર્ચાઓ અંગેના મુલ્યાંકનની કોઈ સત્તા આપવામાં આવશે કે કેમ તે હજી સુધી નક્કી નથી.
મેયર ફંડ સમિતિમાં એક કરોડનો વધારો કોરોના મહામારી દરમ્યાન ગરીબ અને શ્રમિક પરિવારો માટે આર્શીવાદ રૂપ સાબિત થયેલા મેયર ફંડ સમિતિમાં શાસકો દ્વારા માનવીય ધોરણે એક કરોડ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકાના મેયર ફંડ સમિતિમાં હાલ શહેરીજનોને સારવાર પેટે રાહત આપવાના હેતુથી બે કરોડ રૂપિયાની કમિશ્રર દ્વારા જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં હવે એક કરોડ રૂપિયાના વધારા સાથે કુલ ત્રણ કરોડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
5 કરોડ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડની રચના છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે ભવિષ્યમાં કુદરતી આફતો અને હોનારતો દરમ્યાન બચાવ – રાહત સહિતની કામગીરી માટે સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા પહેલી વખત ડિઝાસ્ટર મેનેજમેન્ડ ફંડની રચના કરવામાં આવી છે. જેમાં હાલ પ્રારંભિક તબક્કે પાંચ કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવશે. પુર અને પ્લેગ તથા ભુકંપ જેવી આપદાઓ વચ્ચે ફિનિક્સ પક્ષીની જેમ પળવારમાં ઉભા થઈ જતાં સુરત શહેર માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો :