Surat : કોરોના પોઝિટિવ થયેલી વૃદ્ધ સિવિલમાંથી ગાયબ થતા તંત્રના શ્વાસ અઘ્ધર, તંત્રએ શોધખોળ શરૂ કરી
જો કે આ દરમ્યાન પરિવારજનો મહિલા દર્દીને લઈને રવાના થઈ જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સિવિલના તંત્ર દ્વારા પોલીસ અને મનપાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના (Surat )પાંડેસરા ખાતે રહેતા એક 60 વર્ષીય મહિલાને ગઇકાલે કોવિડ-19ના લક્ષણો જોવા મળતાં પરિવારજનો તેણીને સિવિલ હોસ્પિટલ(New Civil Hospital 6) ખાતે લઈને આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં આ મહિલાનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતાં કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને પગલે સિવિલના તંત્ર દ્વારા મહિલાને કોવિડ-19ની હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જો કે આ દરમ્યાન પરિવારજનો મહિલા દર્દીને લઈને રવાના થઈ જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સિવિલના તંત્ર દ્વારા પોલીસ અને મનપાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પાંડેસરા ખાતે વિષ્ણુનગરમાં રહેતા એક 60 વર્ષીય મહિલાની છેલ્લા બે – ત્રણ દિવસથી તબિયત ખરાબ રહેતા વૃદ્ધાને પરિવારજનો 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા.
જ્યાં ટ્રોમા સેન્ટર ખાતે વૃદ્ધાનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવતાં વૃદ્ધાને કોરોનાના દર્દીઓ માટે ઉભી કરવામાં આવેલી અલાયદી હોસ્પિટલમાં દાખલ કરવા માટે પરિવારજનોને જણાવ્યું હતું. જો કે, કોવિડ-19ની હોસ્પિટલમાં વૃદ્ધાને દાખલ કરવામાં આવે તે પહેલાં જ પરિવારજનો મહિલા દર્દીને લઈને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળતાં સિવિલના વહીવટી તંત્રમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.
આ દરમ્યાન સિવિલના વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ અને મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવ્યા બાદ મહિલા દર્દીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.નોંધનીય છે કે જે રીતે શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે તે જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે.
પ્રથમ અને બીજી લહેર દરમ્યાન પરિસ્થિતિ ખુબ વિકટ બની હતી. આવી સ્થિતિનું નિર્માણ ન થાય તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આવી બાબતો પણ તંત્રની ચિંતામાં તેટલો જ વધારો કરતી હોય છે. હાલ આ મામલે સિવિલ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ થયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલોટ થયા
આ પણ વાંચો : સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, નદી ઉત્સવના વિરોધમાં ખાડી ઉત્સવનું આયોજન