સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો 24 કલાકે મળ્યો મૃતદેહ, હિબકે ચડ્યો પરિવાર, તંત્ર પર બેદરકારીનો આરોપ
24 કલાક બાદ એ 2 વર્ષનું બાળક જિંદગીનો જંગ હારી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકથી ગટરમાં પડેલ માસૂમની ભાળ મળી અને આખા વિસ્તારમાં આક્રંદ છવાઈ ગયો. ખુલ્લી ગટરે કોઈ એક પરિવારને આજીવન આક્રંદના અંધકારમાં ધકેલી દીધો છે અને પાલિકાને પોતાની ભૂલનું કોઈ ભાન ડ નથી. સુરતમાં એક ખુલ્લી ગટર મોતનો દ્વાર બની છે.
સુરતની એ માતાનું આક્રંદ સાંભળીને કોઈપણનું કાળજુ કંપી જાય, તે નહોંતી જાણતી કે 24 કલાક બાદ કોર્પોરેશનના સત્તાધિશોના પાપે તેનો વ્હાલસોયો આ દુનિયામાં હયાત જ નહીં હોય. કલ્પના પણ ન કરી શકાય એવી યાતના અને પીડા પરિવાર પર આવી છે. પરિવારની આ પીડા માટે જો કોઈ જવાબદાર હોય તો તે SMCના ખાઈબદેલા સત્તાધિશો છે. જેમને લોકો પીડાની કંઈ પડી નથી. SMCની બેદરકારીના પારે ખુલ્લી ગટરમાં ગરક થયેલુ એ 2 વર્ષનું માસૂમ બાળક 24 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગયો. મહાનગરપાલિકાની ખુલ્લી ગટર તેના માટે મોતની ગટર સાબિત થઈ અને એક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે.
બુધવારની સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે આ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ ગુરૂવારની સાંજે બાળકનો મૃતદેહ મળતા જ આખા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી. સતત 24 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસ એ વાતનો કે એક પરિવારનો દિપ બુજાઈ ગયો. હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો મેયર હાજર નથી તે બાબતને લઈને મેયરનું રાજીનામું માંગી રહ્યા છે.
જોકે અહિં શાસક પક્ષના જ એક કોર્પોરેટર જણાવી રહ્યા છે તે આ પાલિકાની ગંભીર બેદરકારી છે અને આ અંગે પગલા લેવા જ પડશે. આ તરફ વિપક્ષે પણ કોર્પોરેશન તંત્રની બેદરકારી મામલે આકરા પ્રહાર કર્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એક તરફ ઘટના ઘટી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર કહી રહ્યા છે કે આમાં પાલિકાની કોઈ બેદરકારી જ નથી. જવાબદારીમાંથી છટકી રહેલા આ કોર્પોરેટરે માનવતા પણ નેવે મુકી નિર્લજ્જ રીતે હસી પણ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો આમ શહેરમાં ખુલ્લી ગટરો હોય અને પાલિકાના કોર્પોરેટરને તે ભૂલ નથી લાગતી ? કોઈ કહેવાતા મોટા માણસનું બાળક હોત તો ?