Surat: બ્રેઈનડેડ શૈલેશ પાદરિયાના અંગદાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું
શૈલેશભાઈના પત્ની મમતાબેન અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે અમે અંગદાન અંગેના સમાચારો વારંવાર સાંભળ્યા હતા. ત્યારે હંમેશા વિચારતા હતા કે અંગદાન થી મોટું કોઈ દાન જ નથી, મારા પતિ બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી જેટલા પણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તે માટે આપ આગળ વધો.

સુરત(Surat) શહેર હવે ઓર્ગેન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતથી વધુ એક અંગદાન(Organ Donation) ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વિનસ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું છે. લેઉવા પાટીદાર સમાજના બ્રેઈનડેડ શૈલેશભાઈ હસમુખભાઈ પાદરીયા ઉ.વ 64 ના પરિવારે ડોનેટ લાઈફના(Donate Life) માધ્યમથી શૈલેશભાઈના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.સુરતના મહિધરપુરા સ્થિત મણિયા શેરી ખાતે રહેતા અને નિવૃત જીવન જીવતા શૈલેશભાઈ 5 મેના રોજ બપોરે 12 કલાકે જમીને બેઠા હતા, ત્યારે તેમને માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઉલ્ટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા.
સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી
પરિવારજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં ડૉ. નિખિલ જરીવાલાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.6 મે ના રોજ ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ફીઝીશયન ડૉ. નિખિલ જરીવાલા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ, ડૉ. આકાશ બારડે શૈલેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શૈલેશભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શૈલેશભાઈના પત્ની મમતાબેન, પુત્ર જીગર, પુત્રીઓ બીની અને ઉન્નતી, જમાઈ ચિરાગ સુરતી, સ્વાતીલ શાહ, દિલીપભાઈ શાહ અને પાદરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
અંગદાન અંગેના સમાચારો વારંવાર સાંભળ્યા હતા
શૈલેશભાઈના પત્ની મમતાબેન અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે અમે અંગદાન અંગેના સમાચારો વારંવાર સાંભળ્યા હતા. ત્યારે હંમેશા વિચારતા હતા કે અંગદાન થી મોટું કોઈ દાન જ નથી, મારા પતિ બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી જેટલા પણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તે માટે આપ આગળ વધો. શૈલેશભાઈના પરિવારમાં તેમની પત્ની મમતાબેન પુત્ર જીગર અને પુત્રી ઉન્નતી જેઓ એલાઇડ ફાયર સેફટી એન્ડ સર્વિસીસમાં સર્વિસ મેનેજર અને ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. બીજી પુત્રી બીની ઉં.વ. 35 કે જે પરણિત છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી છે.
બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે
લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. અનુરાગ શ્રીમલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ.સુનીલ કુમાર સીંગ અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વાપીના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં શૈલેશભાઈના પત્ની મમતાબેન, પુત્ર જીગર, પુત્રી બીની અને ઉન્નતી, જમાઈ ચિરાગ સુરતી, સ્વાતીલ શાહ, દિલીપભાઈ શાહ તેમજ પાદરીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળા, ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલ, ફીઝીશયન ડૉ. નિખિલ જરીવાલા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ, ડૉ. આકાશ બારડ, મેડિકલ ઓફિસર ડો. પાયલ પાટીલ, ડૉ. પાયલ મોરડિયા, RMO વિરેન પટેલ, શૈલેશ થીગડે, વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, નિકસન ભટ્ટ, રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1122 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1122 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 466 કિડની, 200 લિવર, 45 હૃદય, 34 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 364 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1030 વ્યક્તિઓને નવુ જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…