Surat : વાયરસની દહેશત વચ્ચે આ વર્ષે પણ સુરતમાં નહીં યોજાય કાઇટ ફેસ્ટિવલ અને ગોપી તળાવ કાર્નિવલ
સુરત શહેરના ઐતિહાસિક ગોપી તળાવમાં છેલ્લાં પાંચ વર્ષથી સતત નાતાલ દરમિયાન ગોપી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે . પરંતુ કોરોનાના કારણે શહેરમાં આ વર્ષે પણ ઘણાં આયોજનો , જાહેર તહેવારોની ઉજવણી અને કાર્યક્રમો પડતા મુકાઈ રહ્યા છે .

કોરોનાને (Corona )કારણે શહેરમાં છેલ્લાં 2 વર્ષથી ઘણા તહેવારો , કાર્યક્રમો તેમજ સામૂહિક આયોજનો પડતાં મૂકવામાં આવ્યાં છે . આ વર્ષે સંક્રમણ ઓછું રહેતાં સરકાર દ્વારા તહેવારોની ઉજવણીમાં આંશિક છૂટછાટ આપવામાં આવી હતી . પરંતુ એક જ જગ્યાઓ પર લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય એ માટે તંત્ર દ્વારા આવાં આયોજનો માટે પરવાનગી આપવામાં આવી રહી નથી . જેના પગલે હવે શહેરમાં છેલ્લાં 18 વર્ષથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ(International Kite Festival ) આ વર્ષે પણ નહીં યોજાશે .
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત અમદાવાદ શહેરથી થઈ અને ત્યારબાદ રાજ્યનાં અન્ય શહેરોમાં આ પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવતું હોય છે . જો કે , કોરોનાને કારણે આ વખતે પતંગ મહોત્સવ અમદાવાદમાં પણ રદ કરવામાં આવ્યો છે જે જોતાં હવે અન્ય શહેરોમાં પણ આ કાર્યક્રમ રદ કરવામાં આવશે .
સુરતમાં વર્ષ -2002 થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે . આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ સહિત અન્ય દેશોના લોકો પણ ભાગ લેતા હોય છે . દેશ – વિદેશથી પતંગરસિયાઓ તેમના પતંગની અવનવી ડિઝાઈન સાથે આવતા હોય છે અને રાજ્યમાં અમદાવાદ , સુરતમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેતા હોય છે .
દર વર્ષે પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના , બલ્ગેરિયા , ફિનલેન્ડ ક્રોએશિયા , બેલારૂસ , બ્રાઝિલ , ચીન , ઇસ્ટોનિયા , કેમરૂન , ઓસ્ટ્રેલીયા , આર્જેન્ટિના , કેનેડા , કંબોડિયા સહિતના વિવિધ દેશોના તેમજ ભારતનાં વિવિધ રાજ્યોના પતંગબાજો ભાગ લેતા હોય છે. દેશ વિદેશથી આવેલા પતંગબાજોની અવનવી પતંગ અને તેને ઉડાવવાની પદ્ધતિને જોવા સુરતીઓ પણ મોટી સંખ્યામાં જોડાતા હોય છે.
સુરત શહેરના ઐતિહાસિક ગોપી તળાવમાં છેલ્લાં પાંચ વર્ષથી સતત નાતાલ દરમિયાન ગોપી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે . પરંતુ કોરોનાના કારણે શહેરમાં આ વર્ષે પણ ઘણાં આયોજનો , જાહેર તહેવારોની ઉજવણી અને કાર્યક્રમો પડતા મુકાઈ રહ્યા છે . શહેરમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત છે અને કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ત્રીજી લહેર આવવાની ભીતિ પણ સેવાઈ રહી છે . ત્યારે હવે આ વર્ષે પણ ગોપી કાર્નિવલનું આયોજન પણ કરાશે નહીં .
તા.4-12-2015ના દિવસે જે – તે સમયના ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઐતિહાસિક ગોપી તળાવના રિ – ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું . અને ઉદઘાટન સમયે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે , કાંકરિયા કાર્નિવલની જેમ ગોપીતળાવ ખાતે પણ ગોપી કાર્નિવલનું આયોજન કરવું જોઈએ . જેથી તાબડતોબ તે જ વર્ષથી મનપાએ ગોપી કાર્નિવલનું આયોજન શરૂ કર્યું હતું .
વર્ષના અંતે તા .25 થી 31 ડિસેમ્બર દરમિયાન ગોપી કાર્નિવલમાં વિવિધ સ્પર્ધાઓ , સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . અને શહેરીજનો મોટી સંખ્યામાં ગોપી કાર્નિવલમાં જતા હોય છે . પરંતુ આ વર્ષે પણ કોરોનાને કારણે ગોપી કાર્નિવલ નહીં યોજવામાં આવે તેવો નિર્ણય મનપા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે .
આ પણ વાંચો : સસ્પેન્ડેડ સાંસદોના મામલે કેન્દ્રની પહેલ, 5 રાજકીય પક્ષોની બેઠક બોલાવાઈ, વિપક્ષે કહ્યું- બેઠકમાં સામેલ નહીં થાય
આ પણ વાંચો : Ahmedabad: કાચા માલમાં ભાવ વધારાથી ટેક્સટાઇલ વેપારીઓ ચિંતામાં, GST મુદ્દે વેપારીઓ આકરા પાણીએ