Surat : 50 હજારનો પગાર ધરાવતા શિક્ષણ સમિતિના સિનિયર ક્લાર્કે જીપીએફના નાણાં અપાવવા 7 હજારની લાંચ માંગી, એસીબીએ કરી ધરપકડ
મૃતક કર્મચારીના જીપીએફના નાણા મેળવવા માટે તેમના પત્ની દ્વારા સમિતિને અરજી કરવામાં આવી હતી. આ નાણાના ચેક તૈયાર કરી આપવા જીપીએફ વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં સમીરભાઇ રૂસ્તમભાઇ ભગતે રૂ. 7 હજારની લાંચ માગી હતી.
સુરત (Surat) માં મૃતક પતિના અવસાનના જીપીએફના નાણા મેળવવા અરજી કરનાર મહિલા પાસે લાંચ (bribe) માંગવાના ગુનામાં એસીબીએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં રૂ.7 હજારની લાંચ સ્વીકારતા 50 હજારના પગારદાર એવા શિક્ષણ સમિતિના હેડ ક્લાર્ક સમીર ભગતની ધરપકડ કરવામાં આવી છે. સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (education committee) ની કચેરીમાં જીપીએફ વિભાગમાં કામ કરતો ક્લાર્ક લાંચ લેતાં ઝડપાયો હતો . મૃતક પતિના અવસાન માટે જીપીએફના નાણા મેળવવા અરજી કરનાર મહિલા પાસે તેણે રૂપિયા 7 હજારની લાંચ માંગી હતી. લાંચ – રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં એક વ્યક્તિનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું.
આ મૃતક કર્મચારીના જીપીએફના નાણા મેળવવા માટે તેમના પત્ની દ્વારા સમિતિને અરજી કરવામાં આવી હતી. આ નાણાના ચેક તૈયાર કરી આપવા જીપીએફ વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં સમીરભાઇ રૂસ્તમભાઇ ભગતે રૂ. 7 હજારની લાંચ માગી હતી. પતિના મૃત્યુ બાદ લાચાર મહિલા પીએફના નાણા પાછા મેળવવા ગઈ ત્યારે તેની સાથે આવું ખરાબ વર્તન થતાં તે ડઘાઈ ગઈ હતી.
મહિલા આ લાંચ આપવા માંગતી નહોતી આથી એમણે લાંચ – રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો . દરમિયાન લાંચ – રુશ્વત વિરોધી દળે છટકું ગોઠવ્યું હતું . જેમાં શિક્ષણ સમિતિની કાંસકીવાડ ખાતેની કચેરીમાં ત્રીજા માળે રૂમ નં . 19 માં સમીર ભગત રૂા . 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. નોંધનીય છે કે સાત હજારની લાંચ માંગનાર આ હેડ ક્લાર્કનો પગાર પણ 50 હજાર જેટલો છે. છતાં એક મૃતકના પત્ની પાસેથી તેના પતિની મરણમૂડી સમાન પીએફની રકમ ઉપાડવા માટે પણ નાણા માગીને માનવતા વરોધી કામ કર્યું છે. આ સમગ્ર કામગીરી સુરત એસીબીના મદદનીશ નિયામક એન . પી . ગોહિલના નિરીક્ષણ હેઠળ ફિલ્ડ પોલીસ ઇન્સપેક્ટર એ . કે . ચૌહાણ દ્વારા પાર પાડવામાં આવી હતી.