Surat : જિંદગીની “પરીક્ષા”નો અંતિમ દિવસ, વિદ્યાર્થિનીનું અકસ્માતમાં કરૂણ મોત
અકસ્માત (Accident) અંગે જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી.અને વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત માસાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Surat : ભેંસાણ રોડ પર આજે સવારે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં (Board Exam) દસમા ધોરણની એક વિદ્યાર્થિની (Student) મોતને (Death) ભેટી ગઈ. બોર્ડની પરીક્ષાનું આજે છેલ્લો પેપર આપવા માટે વિદ્યાર્થિની તેના માસા સાથે બાઈક ઉપર જઈ રહી હતી. ત્યારે ભેસાણ રોડ પર એક ટ્રક સાથે ટક્કર (Accident) થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તેના માસાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માર માટે નવી સિવિલ હોસ્પ્ટિલમાં ખસેડાયા હતા. ઘરેથી પરીક્ષા આપવા નીકળેલી પુત્રીના મોતના સમાચાર મળતા પરિવાર પર શોકનો આભ તૂટી પડ્યો હતો.
ઇચ્છાપોર ખાતે આવેલ ખાડી મોહલ્લામાં રહેતી 16 વર્ષીય પ્રગતિ નીતિન સદાશિવ દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને હાલમાં તેની દસમાની બોર્ડની પરીક્ષા ચાલુ હતું. આજે તેનું હિન્દી વિષયનું છેલ્લું પેપર હતું. સેગવાસમા ગામમાં આવેલ એક શાળામાં તેનું પરીક્ષા કેન્દ્ર આવેલું હતું.
દરમિયાન આજે સવારે તે પોતાના માસા છનાભાઈ સુખાભાઈ રાઠોડ સાથે બાઈક પર સવાર થઇ છેલ્લું પેપર આપવા જવા માટે નીકળી હતી.તેઓ ભેંસાણ રોડ ઇચ્છાપોર હાઇવે પરથી જઈ રહયા હતા. ત્યારે એક ટ્રક સાથે ટક્કર થતા બંને નીચે પટકાયા હતા. જેમાં પ્રગતિને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેના માસાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત અંગે જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી.અને વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત માસાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.માતા પિતા સહિત પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પુત્રીના મોતને લઈને તેઓ આક્રંદ કરવા લાગ્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રગતિ ભણવામાં તેજસ્વી હતી.તેના પિતા એક કમ્પનીમાં નોકરી કરે છે.પોલીસે જણાવ્યું હતું કે ટ્રક મૂકી ચાલક ભાગી ગયો છે. બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.