Surat : સુરતમાં દર મિનિટે 133 વ્યક્તિઓને વેક્સિનેશન થઇ રહ્યું છે, આજે 1 લાખને વેક્સીન આપવાનો ટાર્ગેટ
આજે બપોર સુધીમાં જ 23845 નાગરિકોને વેક્સીનના પહેલા અને બીજા ડોઝ આપવામાં આવ્યા છે. આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ સહિત મહાનગર પાલિકાના 4500થી વધુ કર્મચારી અને અધિકારીઓનો કાફલો જહેમત ઉઠાવી રહ્યા છે
કોરોના મહામારીના (Corona )ત્રીજા તબક્કાની લહેરને અટકાવવા માટે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ(Health Department ) દ્વારા આજે શહેરભરમાં 327 વેક્સીનેશન સેન્ટરો પર મેગા વેક્સીનેશન અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન હેઠળ બપોરે સુધીમાં 24 હજાર જેટલા નાગરિકોને વેક્સીનનો પહેલો અને બીજા ડોઝનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. આજે રાત્રે નવ વાગ્યા સુધી ચાલનારા આ મેગા અભિયાન હેઠળ પાલિકા દ્વારા એક લાખ વેક્સીનેશનનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ગઈકાલે કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયેન્ટનો પહેલો કેસ નોંધાઈ ચુક્યો છે ત્યારે બીજી તરફ વેક્સીનના બીજા ડોઝની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 5 લાખથી વધુ નાગરિકો હજી પણ વેક્સીન લેવામાં આળસ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં 327 કેન્દ્રો પર મેગા વેક્સીનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 836, વરાછા -એ ઝોનમાં 5190, વરાછા- બી ઝોનમાં 1740, કતારગામ ઝોનમાં 2536, લિંબાયત ઝોનમાં 5999, રાંદેર ઝોનમાં 1105, ઉધના ઝોનમાં 4952 અને અઠવા ઝોનમાં 1487 નાગરિકોને પહેલા અને બીજા ડોઝનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.
એક લાખ વેક્સીનેશનનો ટાર્ગેટઃ ડો. આશીષ નાયક શહેરના તમામ ઝોન વિસ્તારમાં 300થી વધારે સેન્ટર પર વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા મેગા વેક્સીનેશન અભિયાન અંગે વધુ માહિતી આપતાં આરોગ્ય વિભાગના ડો. આશીષ નાયકે જણાવ્યું હતું કે, આજે બપોર સુધીમાં જ 23845 નાગરિકોને વેક્સીનના પહેલા અને બીજા ડોઝ આપવામાં આવ્યા છે. આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ સહિત મહાનગર પાલિકાના 4500થી વધુ કર્મચારી અને અધિકારીઓનો કાફલો જહેમત ઉઠાવી રહ્યા છે અને સંભવતઃ આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં એક લાખ વેક્સીનેશનના લક્ષ્યાંકને પુરો કરવામાં આવશે.
લિંબાયત ઝોનમાં સૌથી વધુ છ હજાર નાગરિકોનું વેક્સીનેશન આજે બપોર સુધીમાં શહેરના આઠેય ઝોન વિસ્તાર અલગ – અલગ સ્થળો પર વેક્સીનેશન અભિયાન હેઠળ લિંબાયત ઝોનમાં સૌથી વધુ છ હજાર નાગરિકોએ વેક્સીન મુકાવી છે. જેમાં બીજો ડોઝ મુકાવનારા નાગરિકોની સંખ્યા 4500થી વધુ છે. આ સિવાય વરાછા ઝોન – એમાં પણ 5190 નાગરિકો પૈકી 5007 નાગરિકોએ વેક્સીનનો બીજો ડોઝ મુકાવ્યો છે. અલબત્ત સેન્ટ્રલ ઝોનમાં વેક્સીનેશન અભિયાનને મોળો પ્રતિસાદ સાંપડ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં માત્ર 836 નાગરિકોએ જ કોવિડ – 19ની રસી મુકાવી હતી.
વેક્સીનેશન સાથે નિઃશુલ્ક તેલ વિતરણનો છેલ્લો દિવસ શહેરમાં વેક્સીનનો બીજો ડોઝ લેવામાં આળસ કરનારા નાગરિકોને વેક્સીનેશન માટે પ્રોત્સાહિત કરવા માટે એક લીટર નિઃશુલ્ક તેલ વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલ સુધી 2.40 લાખ જેટલા પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ મહાનગર પાલિકા પાસે આ સંસ્થા દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે આપવામાં આવેલા 3.50 લાખ તેલના પાઉચ પૈકી એક લાખની આસપાસ પાઉચનો જથ્થો બચ્યો છે. જે પૈકી આજે મોટા ભાગના પાઉચોનું વિતરણ કરી દેવામાં આવશે અને આવતીકાલથી જે તે સેન્ટરો પર સ્ટોક હશે તો જ બીજા ડોઝ લેનાર નાગરિકોને આ સ્કીમનો લાભ મળશે.
આ પણ વાંચો : Surat : કોરોનાનો ભય ફરી વાલીઓમાં પેંઠો, શહેરમાં કેસ વધવાથી બાળકોને શાળામાં મોકલવાથી ડરી રહ્યા છે વાલી
આ પણ વાંચો : Surat : ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરનાર આઠ જમીન માલિકો સામે સુરત જિલ્લા કલેકટરે કરી લાલ આંખ