કડવા પાટીદાર સમાજના પ્રશ્નો અંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ શબ્દો ચોર્યા વિના કરી ચોખ્ખી વાત- Videoમાં જુઓ શું બોલ્યા રૂપાલા

સુરતમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ વડીલો અને દીકરા અને દીકરીઓ વચ્ચે વધતુ અંતર, વિભક્ત કુટુંબો, પરિવારની શિસ્ત, છુટાછેડાના કેસ અને છૂટાછેડા બાદ સમાજમાં દીકરીના પરિવાર દ્વારા થતી લેતીદેતી અંગે પણ શબ્દો ચોર્યા વિના ખુ્લીને વાત કરી.

| Edited By: | Updated on: Jan 17, 2026 | 8:05 PM

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ સમાજના પ્રશ્નો અંગે ખુલીને મહત્વપૂર્ણ વાતો કરી. સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો બાબતે તેઓ બોલી રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે આજે અન્ય સમાજો તેમના રિવાજો બદલીને આપણી આગળ નીકળી રહ્યા છે અને આપણે જે આપણુ હતુ તેને પણ ભૂલી રહ્યા છીએ.

લગ્નપ્રસંગોમાં ચડાવાતા સોનાના દાગીના પર બોલ્યા રૂપાલા

સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે એક સમાજે તાજેતરમાં લગ્નપ્રસંગોમાં સોનાના દાગીના ન ચડાવવાનો નિર્ણય કર્યો છે. આ સામાજિક પહેલ છે. અનેક સમાજની અંદર સમૂહ લગ્નનોના નિર્ણય થઈ ગયેલા છે. કચ્છ આહિર સમાજે એક જ તારીખે લગ્ન કરવાનો નિયમ બનાવ્યો છે. રૂપાલાએ કહ્યુ કડવા પાટીદાર સમાજે પણ આવું વિચારવની આવશ્યક્તા છે. સમાજમાં જાતભાતના વ્યવહારો વધી ગયા છે, તેના પર સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ વિશાળ ભવનો માત્ર સગવડતા વધારશે અને પહેલા જે સામાજિક પોત હતુ એ પોત હાલ ભૂંસાતુ જતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

છૂટાછેડા કરતા પણ એ પછીની લેતી-દેતી ગંભીર સમસ્યા: રૂપાલા

પરસોત્તમ રૂપાલાએ સમાજમાં વધી રહેલી છુટાછેડાની સમસ્યા અંગે જણાવ્યુ કે મારા મતે છૂટાછેડા એટલી મહત્વની વાત નથી પરંતુ છૂટાછેડા બાદ તેના પિતા પૈસા ગણવા બેસે છે તે આપણા માટે અત્યંત શરમજનક બાબત છે. કડવા પટેલ સમાજમાં દીકરીના પૈસાની દેતી-લેતીના વિષયો ન હોવા જોઈએ.

આજે સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો- રૂપાલા

રૂપાલાએ કહ્યુ કે આજે જનરેશનો કપાઈ રહી છે, જે સમાજના અસ્તિત્વ સામે સવાલ છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારીને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. રૂપાલાએ સમાજને વિનંતિ કરતા કહ્યુ કે આપણે મોટા-મોટા કાર્યક્રમો તો આયોજિત કરીએ છીએ પરંતુ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને નવા સમય પ્રમાણેના સમાજના થોડા ધારાધોરણ વિચારીને અમલમાં લાવવાના પ્રયાસો કરવા પડશે. સમાજને નવી દિશા આપવાની છે. આજે જ્યારે દુનિયા ગ્લોબલ બની ગઈ હોય, ગ્લોબલ વિલેજ જેવી ઉમદા તકો ઉભી થઈ હોય તેવા સંજોગોમાં સમાજનું કોઈ માળખુ જ ન હોય, મનફાવે તેમ ચાલે, તે કડવા પાટીદાર સમાજને પરવડે નહીં.

કડવા પાટીદાર સમાજને નવા બંધારણની તાકાત આપવાની જરૂર- રૂપાલા

રૂપાલાએ કહ્યુ આજે ભવનો બનાવવાની સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. સમાજમાં નીતિ નિયમો-બંધારણ ઘડવાની જરૂરિયાત પર તેમણે ભાર મુક્તા કહ્યુ કે આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે આ બાબતે અન્ય સમાજો આપણી આગળ નીકળી ગયા છે. 5-25 વર્ષ પહેલા એવો સમય હતો આપણો સમાજ નિર્ણયો કરતો અને અન્ય સમાજ તેને અનુસરતા હતા. આજે સ્થિતિ એ છે કે બીજા સમાજોએ નિર્ણયો કરી નાખ્યા અને આપણે વિચારણા પણ શરૂ નથી કરી. રૂપાલાએ કહ્યુ કે સમાજને નવા બંધારણની તાકાત આપવાની જરૂર છે. એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન પણ આપવુ પડશે. સમાજને બંધારણની ફ્રેમની અંદર વિકાસના ફળ પામવાના પુરુષાર્થમાં લગાડવુ જોઈએ.

રૂપાલાએ કહ્યુ સમાજમાં હાલ સુષુપ્ત બની ગયો છે તેના કારણે સામાજિક નિયંત્રણો કોઈ રહ્યા નથી. કાર્યક્રમોમાં સમય-સૂચક્તા જાળવવા પર રૂપાલાએ ભાર મુક્યો. રૂપાલાએ કહ્યુ ભૂતકાળમાં આપણી શાખ હતી કે આ સમાજનો કાર્યક્રમ હોય તો આવનારા મહેમાનો સમયસર આવી જતા. પાટીદારોની સમયસૂચક્તા એમની શાખ હતી. આજે આ બધુ કોરાણે મુકાઈ ગયુ છે જેને ફરી અમલમાં લાવવાની જરૂર છે.

લગ્નપ્રસંગોમાં થતો ભોજનનો બગાડ અટકાવવા ટકોર

રૂપાલાએ જણાવ્યુ કે આજે કેટરીંગના કારણે લગ્નપ્રસંગોમાં ભોજનનો વ્યાપક પ્રમાણમાં બગાડ થાય છે જે બંધ થવો જોઈએ. રૂપાલાએ આજની જનરેશનના દીકરા-દીકરીઓનો પક્ષ લેતા કહ્યુ કે તેમનો કોઈ વાંક જ નથી, ભૂલ વડીલોની છે તેમનુ બરાબર ઘડતર થતુ નથી.

રૂપાલાએ વ્યવસ્થાની અંદર મહિલાઓને જોડવાનું કર્યુ સૂચન

રૂપાલાએ સ્પષ્ટ કહ્યુ કે સમાજ જો મહિલાઓ દાતા તરીકે આગળ આવે એવુ ઈચ્છતો હોય તો તેમને મંચ પર પણ સ્થાન આપવુ પડશે. મંચ પર માત્ર પુરુષો જ નહીં મહિલાઓને પણ સ્થાન આપવુ જોઈએ. આ વ્યવસ્થાની અંદર તેમને આજના સમય પ્રમાણે જોડવા જ પડશે. આજે સંગઠિત થવાની આવશ્યક્તા છે. સંગઠનની સૌથી પહેલી જરૂર તો આપણા કુટુંબોમાં છે. આ સાથે તેમણે કૌટુંબિક ડિસિપ્લીન લાવવાની પણ વાત કરી.

Input Credit- Baldev Suthar-Surat

 

હવે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની સામે પડ્યુ ફ્રાન્સ, રાષ્ટ્રપતિ મેક્રોને ટ્રમ્પને ચેતવણીના સૂરમાં કહ્યુ હુમલા અંગે વિચારશો પણ નહીં- વાંચો

Published On - 7:18 pm, Sat, 17 January 26