સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગણેશજીની પ્રતિમાં પર કેટલાક વિધર્મી સગીર બાળકો દ્વારા પથ્થરમારો કરાયો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચોતરફથી ઘટનાની નિંદા થઈ રહી છે. આ મામલે અત્યાર સુધીમાં 28 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ ઘટના બાદ સરકાર પણ એક્શનમાં આવી છે અને સૈયદપુરા વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદે બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. સુરતમાં પણ હવે યોગી પોલિટિક્સ જોવા મળ્યુ છે અને ગેરકાયદે લારી-ગલ્લા, દુકાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે.
બુલડોઝર એક્શન અંગે મેયર દક્ષેશ માવાણીએ TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. પથ્થરામારાની ઘટના એ સામાજિક દૂષણ છે. જ્યા ઘટના બની ત્યા રસ્તા પર અનેક દબાણ કરાયા હતા. સુરત મહાનગર પાલિકા અને સુડાની જગ્યા પર તંબુ બાંધી દબાણ કરાયા હતા. 20 દિવસ પહેલા દબાણ દૂર કરવા માટેનો એક્શન પ્લાન બની રહ્યો હતો. ગઈકાલની ઘટના બાદ તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે સુરતમાં સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ અતિશય વણસી હતી અને ખુદ ગૃહરાજ્યમંત્રીએ લોકોને બાંહેધરી આપી હતી કે સૂર્યોદય થતા સુધીમાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. જે બાદસ્થિતિ થાળે પાડવા સુરત પોલીસે આખી રાત કોમ્બિંગ હાથ ધર્યું. ઘરોમાં જઈ તપાસ આદરી અને ઘરને તાળા મારીને ઘરની અંદર છૂપાયેલા આરોપીઓને બહાર ખેંચી લાવી અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમા અનેક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. જોકે છતા તેઓ ફરજ પર તૈનાત રહ્યા હતા.
સવાર સુધીમાં 27 જેટલા આરોપીઓ અને શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે આરોપ છે કે રીક્ષામાં બેસીને આવેલા કેટલાક 12 થી 13 વર્ષના વિધર્મી બાળકોએ આ કાંકરીચાળો કર્યો હતો. આ ઘટનાને પગલે આક્રોષિત સ્થાનિકોએ સુરત પોલીસ મથકને ઘેર્યુ હતુ. તપાસમાં થયેલા ખૂલાસા મુજબ 6 મુસ્લિમ બાળકોએ પથ્થરો ફેંક્યા હતા. આ બાળકો સૈયદુપુરા વિસ્તારના નથી પરંતુ એકથી દોઢ કિલોમીટર દૂરથી આવ્યા હતા, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ બાળકો પાછળ કોનો દોરી સંચાર હતો.
પોલીસે ટીખળખોરોને તાળા તોડી ઘરમાંથી બહાર લાવી અટકાયત કરી
પથ્થરમારાની આ ઘટનાએ રાત્રે જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે ચલાવી લેવાય તેમ ન હતુ. પથ્થરમારો થયા બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા. પોલીસે મામલો ઉગતો જ ડામવાનો પ્રયાસ કર્યો પરંતુ ટોળુ માને તેમ ન હતુ. આથી પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યા હતા. જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી અને પથ્થરમારા પાછળ જવાબદાર ટીખળખોરોને ઘરમાંથી ખેંચી ખેંચીને લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિસર્જન સમયે પમ આ જ પ્રકારની ઘટના બની હતી, ત્યારે ફરી એજ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ પણ થાય કે શું આ ષડયંત્ર છે ? તેમનાથી પ્રેરિત થઈને અન્ય કોઈએ બાળકોનો સહારો લઈને આજની ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે.
Input Credit- Mehul Bhokalva- Surat
Published On - 5:24 pm, Mon, 9 September 24