સુરતમાં અયોધ્યાથી આવેલ ભગવાન શ્રી રામની કળશ યાત્રાનું કરાયુ ભવ્ય સ્વાગત, વેડ રોડ સ્થિત ગુરુકુળમાં પૂજન અને દર્શનનું આયોજન- વીડિયો

| Edited By: | Updated on: Dec 26, 2023 | 9:53 PM

સુરતમાં અયોધ્યાથી આવેલ ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. સુરતમાં વેડ રોડ સ્થિત આવેલ ગુરુકુળમાં આ કળશ યાત્રાને દર્શન અને પૂજન માટે રાખવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમા ફરતી ફરતી સુરત આવી પહોંચી છે. જે બે દિવસ સુધી રામ ભક્તોના દર્શન માટે રહેશે.

રામભક્તોની સદીઓની તપસ્યાનો 22મી જાન્યુઆરીએ અંત આવશે અને કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિક સમાન એવી રામ મંદિરની કલ્પના સાકાર થવા જઈ રહી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે અને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 500 વર્ષની તપસ્યા બાદ રામ મંદિરની કલ્પના સાકાર થવા જઈ રહી છે ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

જેમાં હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે અને કળશના દર્શન અને પૂજન ભાવિકો કરી શકે તે માટે આ કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યુ છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરતી ફરતી સુરત આવી પહોંચી છે અને તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં આયોજિત થનારા રામમંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક હિંદુમાં એક અલગ જ પ્રકારનો આનંદ અને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે અને તેમના મનમાં હાલ તો એક જ નારો અને એક જ નામ રમી રહ્યુ છે જે છે જય શ્રી રામ જય શ્રી રામ. હાલ અયોધ્યાથી આવેલ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે અને કળશ પૂજન માટે આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરીને ફરી પાછી અયોધ્યા પહોંચશે. આ કળશ યાત્રામાં વિવિધ નદીઓનું જળ એકત્ર કરવામાં આવ્યુ છે. આ તમામ નદીઓમાં એકત્ર કરેલુ જળ અયોધ્યા પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો: વિદેશી પક્ષીઓને લાગ્યો ગાંઠિયાનો ચટાકો, હજારો કિલોમીટર ખેડીને સુરત આવ્યા, જુઓ તસવીરો

સુરત ગુરુકુળ ખાતે આ કળશ યાત્રાનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુકુળના વિદ્યાર્થીઓએ આ કળશ ફરતે કળશની આકૃતિ રચી હતી આ ઉપરાંત માનવ સાંકળ રચી શ્રી રામ પણ લખવામાં આવ્યું હતું. ગુરુકુળ દ્વારા ભવ્ય રીતે આ કળશનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. હવે બે દિવસ સુધી ગુરુકુળમાં આ કળશ દર્શન માટે રહેશે અને ત્યારબાદ આ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરશે. જાન્યુઆરી 18 સુધીમાં આ કળશ યાત્રા અયોધ્યા પહોંચશે. આ ઉપરાંત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા પણ દરેક ઘરે પહોંચાડવાની તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યાથી દરેક ઘર માટે અક્ષત પણ મોકલવામાં આવ્યા છે. આ અક્ષત લોકો પોતાના ઘરે પૂજામાં અથવા તો કબાટમાં લક્ષ્મી સાથે રાખી શકે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો