સુરત નવી સિવિલમાં સિઝનલ ફ્લૂના દૈનિક કેસમાં વધારો, તાત્કાલિક ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
Surat News : નવી સિવિલમા ટીબી વિભાગની ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે.
સુરતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. આ સાથે સીઝનલ ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે નવી સિવિલમા ટીબી વિભાગની ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવા સંજોગોમાં નવી સિવિલ ખાતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સીઝનલ ફલૂના દદીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
નવી સિવિલનું તંત્ર એક્શનમાં
સુરત સહિત ગુજરાતમાં સીઝનલ ફૂલના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે સરકારની ચિંતા વધતા બે દિવસ પહેલા રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટરો વચ્ચે સુરત નવી સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલના અધિકારી અને ડોક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સમાં જોડાઈને ચર્ચાઓ કરી હતી. H1N1 એટલે સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ નેગેટિવ આવેલો હોય તે દર્દીને H3N2નો સંભવિત કેસ હોવાની શક્યતા દર્શાવી હતી.
તમામ બેડ પર ઓક્સિજન સહિતની સુવિધા
જોકે સીઝનલ ફ્લૂના દર્દીને તકલીફ ના પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલિંગમાં સીઝનલ ફ્લૂ દદીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તમામ બેડ પર ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધા રાખવામાં આવી છે.
સંક્રમણ ન ફેલાય તે માટે રાખવામાં આવી રહી છે તકેદારી
સિવિલમાં શરદી, ખાંસી જેવી તકલીફ સાથે ઓપીડીમાં રોજના 100 થી 115 દર્દીઓ સારવાર માટે આવતા હતા. પણ હાલમાં રોજના અંદાજિત 200 દર્દી આ પ્રકારની તકલીફ સાથે આવી રહ્યા છે. જયારે H3N2ના રોગના સંક્રમિત બને તેના એક દિવસ પહેલાથી પછીના પાંચ દિવસ સુધી સંક્રમિત વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. જેથી ચેપ ન ફેલાય તે માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.
સ્મીમેર હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર
બીજી તરફ સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્રએ સિવિલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. કલેકટર દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા ગોઠવવા આદેશ કરવામાં આવ્યા છે. જેને લઇને કોરોનાના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે સુરતમાંથી 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.