Suratમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 54,005 ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
આજે સવારથી જ સુરતમાં (Surat) પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોથી (Examination Centers) 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષની દુકાન બંધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
અગાઉ જુદા જુદા વિવાદોને કારણે ચાર વખત નહીં લેવાઇ શકાયેલી બિન સચિવાલય ક્લાર્કની (Non-Secretariat Clerk) પરીક્ષા (Exam) અંતે આજે યોજાવા જઇ રહી છે. રાજ્યમાં અંદાજિત 10 લાખ 45 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. 32 જિલ્લાના 3243 પરીક્ષા કેન્દ્રો (Examination Centers) પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં સુરતમાં 54005 ઉમેદવારો 157 પરીક્ષા સેન્ટરના 1801 બ્લોકમાં પરીક્ષા આપશે.
આજે સવારથી જ સુરતમાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષની દુકાન બંધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ ઝેરોક્ષ કે ફોટોકોપીની દુકાન ખુલ્લી જણાશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવા સુધી તૈયારી બતાવવામાં આવી છે. સવારથી જ ઉમેદવારો પરીક્ષાકેન્દ્રો પર પહોંચી ગયા હતા. પ્રવેશ દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. મોબાઈલ અને અન્ય સાહિત્યને ગેટ બહાર જ મુકવાની કડક સૂચના આપવામાં આવી હતી.
200 માર્ક્સની આ પરીક્ષા સવારે 11 વાગ્યાથી માંડીને બપોરે 1 વાગ્યા સુધી એમ બે કલાક ચાલશે. સવા દસ વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પ્રવેશ નહીં આપવામાં આવે. તો પરીક્ષા આપવા આવનારા દરેક ઉમેદવારો પોતાનું એક ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. આ વખતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રહેશે. જાહેર પરીક્ષામાં પહેલીવાર તમામ ઉમેદવારોની હાજરી એપ્લિકેશનથી જ પુરાશે.
આજે વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરીક્ષા આપનાર એક ઉમેદવારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ પેપર ફૂટવાની સહિત અનેક કારણોથી આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જોકે આ વખતે તેઓ એક જ અપેક્ષા રાખીને બેઠા છે કે આ વર્ષની પરીક્ષા સારી રીતે પાર પડે અને કોઈપણ ગેરરીતિ સામે ન આવે, જેથી તેઓએ કરેલી મહેનત બેકાર ન જાય.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો