વાહ, શિક્ષક હોય તો આવા: સરકારી સ્કૂલના આ શિક્ષક વેકેશનમાં 1,100 વિદ્યાર્થીઓને ભણાવશે ગીતાના પાઠ
રજાઓ શરૂ થતાની સાથે જ ઓનલાઈન(Online ) પ્લેટફોર્મ પર દરરોજ એક કલાક વર્ગો ચલાવવામાં આવશે અને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગમાં જોડાઈ શકે છે અને તેમને વિનામૂલ્યે ભણાવવામાં આવશે.
શાળાઓમાં ઉનાળાની (Summer) રજાઓ એટલે શિક્ષકો માટે આરામ (Rest) કરવાનો અને પરિવાર સાથે હરવા ફરવાનો અને સમય પસાર કરવાનો સમય, પરંતુ આજે પણ ઘણા શિક્ષકો (Teacher) એવા છે, જે રજાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલુ રાખે છે. આવા શિક્ષકોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય નરેશ મહેતાનો સમાવેશ થાય છે. આ વખતે તેઓએ રજાઓમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. શિક્ષણ સમિતિની શાળા નંબર 114 સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશ મહેતાએ જણાવ્યું કે 8 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. તે જ સમયે આગામી શૈક્ષણિક સત્રથી સરકારે શ્રીમદ ભગવદગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં રજાઓનો સદુપયોગ કરવા અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે મેં વિદ્યાર્થીઓને ગીતાના અધ્યાય શીખવવાનું નક્કી કર્યું છે.
તેઓએ ઉમેર્યું હતું આ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. રજાઓ શરૂ થતાની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર દરરોજ એક કલાક વર્ગો ચલાવવામાં આવશે અને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગમાં જોડાઈ શકે છે અને તેમને વિનામૂલ્યે ભણાવવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને જોડીને માઈક્રોસોફ્ટ ટીમ એપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગીતાના સંસ્કારો આપવામાં આવશે.
મહત્વની વાત એ છે કે તેમના આ પ્રયાસમાં કોઈપણ શાળાના વિદ્યાર્થી જોડાઈ શકશે. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય સંસ્કૃતમાં છે અને જેના શ્લોકમાં ઘણા શબ્દો જોડાયેલા હોવાથી સીધી રીતે વિદ્યાર્થીઓને તે વાંચવામાં અને સમજવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે નરેશ મહેતા આ શ્લોકોના શબ્દોને છુટા પાડીને શ્લોકોના ગાન સાથે ગીતાના અધ્યાય શીખવાડશે. તેઓએ હાલ 1,100 જેટલા વિદ્યાર્થીઓને તેમાં જોડવાનું નક્કી કર્યું છે. જેના માટે તેઓ વેકેશનમાં દરરોજ એક કલાક જેટલો સમય ફાળવશે.
કહેવાય છે શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી અને આ શિક્ષકે વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કરીને આ વાતને ખરા અર્થમાં સાકાર કરી છે. નરેશભાઈના જણાવ્યા પ્રમાણે તેમના આ પ્રયાસને સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈને ગીતાના અધ્યાય ભણવા આતુર દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો :