
વેસુના યુનિકોર્ન પ્લાઝામાં રહેતા અને રીંગ રોડ પર ‘રીકેશ સારીઝ’ના માલિક ગૌરવ મદનલાલ જુનેજાએ ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના સસરા લોકનાથ ગંભીર, સાસુ મનોરમા ગંભીર અને સાળા હાર્દિક ગંભીરે ભાઈચારા અને પારિવારિક સંબંધોનો નાસ કરી જમીનમાં તેમના હિસ્સા પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો છે.
ગૌરવ જુનેજાએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં તેમના લગ્ન લોકનાથ ગંભીરની પુત્રી શાલિની સાથે થયા હતા. તેમના ભાઈ અક્ષયના લગ્ન પણ લોકનાથની ભત્રીજી આશા સાથે થયા હતા, જેના કારણે બંને પરિવાર વચ્ચે ખૂબ નજીકના સંબંધો હતા.
ગૌરવ, તેમના કાકા રમેશ જુનેજા અને લોકનાથ-મનોરમા ગંભીર મળીને “શિવશક્તિ ડેવલોપર્સ” નામની ભાગીદારી પેઢી હેઠળ ભરથાણા-વેસુ અને અલથાણ વિસ્તારમાં પ્લોટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. બંને પરિવારના ભાગીદારી હિસાબે 50-50 ટકા હિસ્સો નક્કી થયો હતો.
વર્ષ 2008માં એક પ્લોટ માટે ગૌરવ અને રમેશ જુનેજાએ રૂ. 90 લાખનો ચુકવણીચેક આપ્યો હતો, જેની પુષ્ટિ સહિતની કાગળો ગંભીર દંપતીને પણ આપવામાં આવી હતી. જોકે, વર્ષો બાદ બંને પરિવારો વચ્ચે સામાજિક અને પારિવારિક ડખા થયા બાદ ગંભીર પરિવારે ગૌરવના હકવાળા પ્લોટનો બોગસ સાટાખત બનાવી તે જમીન “જે.બી. ડેવલોપર્સ”ના નામે વેચાઈ હોવાનું ચિત્ર ઉભું કર્યું હતું.
ગૌરવ જુનેજાને આ અંગે જાણ થતા, તેમણે લોકનાથ, મનોરમા અને હાર્દિક ગંભીર સામે સીધી રીતે જમીન પચાવી પાડવાનો આરોપ મૂકીને ઈકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે આ મામલે ફરિયાદની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published On - 10:08 pm, Fri, 1 August 25