Surat: સરદાર સંકલ્પ યાત્રાના પ્રારંભે જ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો?
અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiriya) સરદાર સંકલ્પ યાત્રાનું આહવાન કર્યું હતું. જે આજે બારડોલીથી નીકળીને આવતીકાલે મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં (Surat) સરદાર સંકલ્પ યાત્રાના પ્રારંભે જ અલ્પેશ કથીરિયાની અટકાયત કરાઈ છે. કથીરિયાની (Alpesh Kathiriya) સાથે ધાર્મિક માલવિયા અને PAAS ટીમના સભ્યોની અટકાયત કરવામાં આવી છે. તમામને બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે લઈ જવાયા છે. તેમનો વિરોધ મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) રાખવા સામે છે. સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) કરવાની માગ સાથે તેમણે યાત્રાનું આયોજન કર્યું હતું. પરંતુ મંજૂરી ન હોવાના કારણે પોલીસે PAASના આગેવાનોની અટકાયત કરી લીધી છે.
મંજૂરી ન હોવાના કારણે પોલીસે કરી કાર્યવાહી
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ભાજપ ઐતિહાસિક વિરાસતને ભૂસવાનું કામ કરી રહી છે. અન્ય જગ્યાએ મોટું સ્ટેડિયમ બનાવીને વડાપ્રધાન નામ લખાય તેમાં કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ પહેલેથી જ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હોવાથી તેને બદલી શકાય નહીં. સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ કરવામાં આવે તેવી કથીરિયાએ માગ કરી છે. મહત્વનું છે કે, અલ્પેશ કથીરિયાએ સરદાર સંકલ્પ યાત્રાનું આહવાન કર્યું હતું. જે આજે બારડોલીથી નીકળીને આવતીકાલે મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પૂર્વે કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી
બારડોલી દિવસની ઉજવણી પૂર્વે કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના SC મોરચાના વિજય વાઘેલા અને બારડોલીના કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાવાળાની અટકાયત કરવામાં આવી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરદાર સાહેબની યાત્રા પર પોલીસ દમન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને પોલીસે તાનાશાહી કરી તે દુઃખદ છે.