Surat : સ્વચ્છતાને સન્માન, સુરત રેલવે સ્ટેશનને સ્વચ્છતા અને યાત્રી સુવિધા માટે 10 હજારનું ઇનામ
રમેશચંદ્ર રતએ સુરત રેલવે સ્ટેશનની (Surat Railway Station) મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાકાળમાં ભારતીય રેલવે દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકો માટે 720 ટ્રેનો ચલાવી 11.10 લાખ શ્રમિકોને તેમના વતનના ગંતવ્યસ્થાને સુરક્ષિત પહોચાડવામાં આવ્યા હતા.
ગુજરાતના (Gujarat) ત્રિદિવસીય પ્રવાસે પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેન ૨મેશચંદ્ર રતએ સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ની મુલાકાત લીધી હતી. સુરત રેલવે સ્ટેશનની વિઝીટ દરમ્યાન તેઓ અહીંની સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓએ સુરત સ્ટેશન તંત્રને 10 હજાર રૂપિયા પુરસ્કાર રાશિ ઘોષિત કરી હતી. આ ઉપરાંત તેમણે જરૂરી પંખાઓ અને સિર્ટીંગ બેન્ચીસ ફાળવવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. તેમણે ચાઇલ્ડ રેસ્ક્યુની સફળ કામગીરી કરનાર આરએફપીની ટીમને 5 હજાર રૂપિયા અને વાણિજ્ય વિભાગને 10 હજાર રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવાની પણ જાહેરાત કરી હતી.
રમેશચંદ્ર રતએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાકાળમાં ભારતીય રેલવે દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકો માટે 720 ટ્રેનો ચલાવી 11.10 લાખ શ્રમિકોને તેમના વતનના ગંતવ્યસ્થાને સુરક્ષિત પહોચાડવામાં આવ્યા હતા.
સુરત રેલવે સ્ટેશન પર નો બિલ નો પેમેન્ટનો કોન્સેપ્ટ
તેઓએ કહ્યું હતું સુરત રેલવે સ્ટેશનના તમામ સ્ટોલ ઉપર ‘નો બિલ, નો પેમેન્ટ’નો કન્સેપ્ટ અને ડ્રેસ કોડ સાથે કાર્યરત સ્ટોલધારકો પ્રેરક સંદેશ આપે છે. નોંધનીય છે કે ચેરમેન રમેશચંદ્ર રતએ ગુજરાતની ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન અત્યાર સુધી નવસારી, વાપી, બિલીમોરા, વલસાડ અને ઉધના રેલવે સ્ટેશનોની મુલાકાત લઇ સુવિધાઓ, રજૂઆતો અને રેલ્વેના વિકાસ પ્રકલ્પોની જાણકારી મેળવી હતી.
તેમણે પ્રવાસીઓ સાથે પોતે સંવાદ કરી પ્રવાસ દરમિયાન રેલવેમાં સ્વચ્છતા જાળવવા, જોખમી રીતે રેલવે ટ્રેક પાર ન કરવા તેમજ આરપીએફ સ્ટાફને પણ સહયોગ આપવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે આરપીએફ યાત્રી સેવા સમિતિના સદસ્ય સર્વ યતેન્દ્રસિંહ અને કિશોર શહાનબાગ, ડી.આર.એમ. કાંત જનબંધુ, રેલવેના અધિકારી અને પદાધિકારી, આર.પી.એફ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્યારસુધીમાં સુરત શહેર સ્વચ્છ શહેર તરીકે તો નામના મેળવી જ ચૂક્યું છે. પણ હવે સુરતનું રેલવે સ્ટેશન પણ સ્વચ્છ સ્ટેશન અને યાત્રી સુવિધા માટે શ્રેષ્ઠ બનતા સુરત માટે ગૌરવ લેવા જેવી વાત છે. સુરત રેલવે વિભાગ દ્વારા હજી પણ સ્ટેશન પર વધુ સુવિધાઓ વધારીને મુસાફરોને વધુ સારો અનુભવ મળે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.