Surat : ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી બંને કાંઠે, સર્જાયો આહલાદક નજારો
સુરતમાં બપોર પછી વાતાવરણમાં ધુમ્મ્સની ચાદર પથરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્ય ઉભા થયા હતા. તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે.
Surat સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે આજે પણ સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન યથાવત રહ્યું હતું. વહેલી સવારથી જ સુરત શહેર સહીત સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોને પગલે વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું છે. આજે સવારથી સુરતમાં અને જિલ્લામાં છુટાછવાયા વરસાદ વચ્ચે બારડોલી અને મહુવા તાલુકામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે તાપી જિલ્લાના ડોલવણ પણ સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદે (Rain ) વિરામ લેતા ઇનફ્લો ઘટીને 11,397 ક્યુસેક પર પહોંચ્યો છે. જયારે ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 98,704 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી હજી પણ રુલ લેવલ કરતા વધુ હોવાના કારણે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે.
તાપી નદી (River Tapi )બંને કાંઠે વહેતી જોવા મળતા આહલાદક નજારો સર્જાયો છે. વળી બપોર પછી વાતાવરણમાં ધુમ્મ્સની ચાદર પથરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્ય ઉભા થયા હતા. તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. જેને પગલે સુરત મહાનગરપાલિકા માટે દર વર્ષે માથાનો દુખાવો સાબિત થી રહેલી જલકુંભી સહિતના પ્રશ્નનું નિરાકરણ આવી જશે. કારણ કે તેનો કુદરતી નિકાલ પણ થઇ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા હજી આગામી પાંચ દિવસ સુધી સુરત સહીત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે એક તરફ જામનગર સહીત સૌરાષ્ટ્રના અનેક વિસ્તરારોમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને પગલે મોટાભાગની નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે.
જિલ્લામાં પણ આજે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં મોટાભાગના તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડતા ખેડૂતો પણ નચિંત થઇ ચુક્યા છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 341.91 ફૂટ નોંધાઈ છે. ભયજનક સપાટી 345 ફૂટ છે. પણ રુલ લેવલ જાળવવા પાણી છોડવું જરૂરી છે. સુરતમાં તાપી નદી પર આવેલા કોઝવે પણ છલોછલ થઇ ગયો છે.
હાલ કોઝવેની સપાટી 8 મીટર જેટલી નોંધાઈ છે. જયારે કોઝવેની ભયજનક સપાટી 6 મોટર છે.
આ પણ વાંચો :
Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ
આ પણ વાંચો :