
સુરતના રાજકીય ઈતિહાસમાં એક અજોડ ઘટના, સુરત ભાજપની આંતરીક લડાઈને કારણે બનવા પામી છે. સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલા ચર્ચા અનુસાર, સુરત ભાજપમાં કોણ સર્વોપરી એ સાબિત કરવા માટે બે મોટા નેતાઓ વચ્ચે વર્ચસ્વની ખેંચતાણ અને રાજકીય લડાઈ ચાલે છે. જેના કારણે, આજે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોનુ બોર્ડ તો સમયસર મળ્યું પરંતુ તેમાં સુરતના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત જ ના કરી શકાઈ. જો કે, આ મુદ્દે મોટો વિવાદ સર્જાયા બાદ, મોવડીમંડળે નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે બોર્ડ બેઠક સમાપ્ત થયાના દોઢ-બે કલાક બાદ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી.
સુરત મહાનગરપાલિકામાં પણ રાજ્યના અન્ય સાત મહાનગરપાલિકાની માફક , આજે 28મી મેને ગુરુવારના રોજ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત કરવાની હતી. આના માટે ભાજપમાંથી પ્રદેશકક્ષાએથી સુરત ભાજપના કર્તાહર્તા ઉપર ફોન મારફતે સુરત મનપાના હોદ્દેદારોના નામનો મેન્ડેટ આપવાનો હતો. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ મળવાના સમય સુધી ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાએથી નામાવલી મોકલી કે જણાવાઈ શકી નહોતી. તેના કારણે વરરાજા વિનાના જાનૈયા જેવો ઘાટ સુરત ભાજપના કોર્પોરેટરોનો થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ તો મળ્યું પરંતુ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના નેતા, મ્યુનિસિપ ભાજપ પક્ષના નેતા અને મ્યુ ભાજપ પક્ષના દંડકના નામની જાહેરાત કરવાના એજન્ડા અનુસાર કામ ના થઈ શક્યું. બોર્ડ બેઠકના નામે સુરતના કોર્પોરેટરો હળી મળીને વાતો કરીને છૂટા પડ્યાં.
સુરતના રાજકી વર્તુળોમાં ચર્ચાતી ચર્ચા અનુસાર, સુરત ભાજપમાં કોણ સર્વેસર્વા તેની એક લડાઈ કેટલાક સમયથી પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી આવે છે. બે બળિયાની લડાઈમાં બાકીનાને પિસાવુ પડે તેવી સ્થિતિ હાલ સુરત ભાજપમાં છે. વણલખેલ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા વગદાર નેતાઓએ, સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ માટે મગનુ નામ મરી પાડ્યુ નથી તેના કારણે આજે 28મી મેના રોજ, સુરત મનપાના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી શકાઈ નહોતી. જો કે, આ વર્તુળોએ એવી પણ વાત કરી હતી કે, સમયસર સુરત મનપાના હોદ્દેદારો જાહેર ના કરી શકવા અંગે પ્રદેશના મોવડીઓએ દિલ્હી દરબારના કાને વાત પહોચાડી દીધી છે. આગામી દિવસોમાં સુરત ભાજપમાં નવા જૂની થાય તો નવાઈ નહીં ?