Video: મહેસાણાના કડી ગામે ચોંકાવનારું કૌભાડ આવ્યું સામે, બિલ્ડરે ગામનો આખો વિસ્તાર વેંચી દીધો
અહીં આવેલું તરસનીયા ગામ આખે આખુ કાગળ પર વેચાઈ ગયું છે. જે જમીન પર વર્ષોથી ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, મહાદેવનું મંદિર અને ગરીબ પરિવારોના રહેણાંક મકાનો આવેલા છે, તે જમીનનો દસ્તાવેજ અમદાવાદના એક બિલ્ડરના નામે કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી પંથકમાં એક ચોંકાવનારું જમીન કૌભાંડ સામે આવ્યું છે. અહીં આવેલું તરસનીયા ગામ આખે આખુ કાગળ પર વેચાઈ ગયું છે. જે જમીન પર વર્ષોથી ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, મહાદેવનું મંદિર અને ગરીબ પરિવારોના રહેણાંક મકાનો આવેલા છે, તે જમીનનો દસ્તાવેજ અમદાવાદના એક બિલ્ડરના નામે કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં તંત્રની મિલીભગત હોવાના આક્ષેપો સાથે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર મેદાને આવ્યા છે, તો બીજી તરફ જાગૃત થયેલા તંત્રએ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે.”
ગામનો આખો વિસ્તાર વેચાયો
કડી તાલુકાના વડાવીના તરસનીયા પરામાં સર્વે નંબર 333 વાળી આશરે 5.5 વીઘા જમીનમાં વર્ષોથી 500 જેટલા લોકો વસવાટ કરે છે. અહીં 1978થી પ્રાથમિક શાળા કાર્યરત છે અને એક પ્રાચીન મહાદેવનું મંદિર પણ છે. તેમ છતાં, અમદાવાદના બિલ્ડર મિલન પટેલ દ્વારા આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરે સ્થાનિક ભાજપના નેતાઓ અને સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે. દસ્તાવેજમાં અન્ય જમીનના ફોટા અને ખોટા સાક્ષીઓ બતાવીને ગામલોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. બળદેવજીના જણાવ્યા મુજબ, અંદાજે 20 થી 25 કરોડની આ કિંમતી જમીન હડપવા માટે મામલતદાર અને તલાટીની પણ સંડોવણી હોઈ શકે છે.
મામલાની જાણ થતા જ કડીના પ્રાંત અધિકારીઓની ટીમ હરકતમાં આવી
આ ઘટનાની જાણ થતાં જ કડી પ્રાંત અધિકારી એ.ડી. મિયાત્રા અને મામલતદાર માધવી પટેલની ટીમ હરકતમાં આવી હતી. મામલતદાર માધવી પટેલે જણાવ્યું હતું કે, સર્વે નંબર 333 માં થયેલા દસ્તાવેજ અંગેની વિગતો ધ્યાને આવતા જ સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ તપાસ અને પંચનામું કરવા માટે મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 1976ના જૂના રેકોર્ડની મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી, જેમાં ગણોતિયાની નોંધ બિન-અમલી હોવાનું સામે આવ્યું હતું. મામલતદારે વધુમાં જણાવ્યું કે, હાલ આ સર્વે નંબરની જમીનને કલેક્ટર હસ્તક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો કબજો ન લઈ શકે.
સખત વિરોધ નોંધાવી વાંધા અરજી કરવામાં આવી
તરસનીયા ગામના આ જમીન પ્રકરણમાં ગ્રામજનો અને પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સખત વિરોધ નોંધાવી વાંધા અરજી કરવામાં આવી છે. હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીથી આ જમીન શ્રીસરકાર દાખલ થવાની પ્રક્રિયામાં છે, જેનાથી બિલ્ડર દ્વારા કરાયેલો દસ્તાવેજ રદ થવાની શક્યતા વધી ગઈ છે. આમ, જાગૃત નાગરિકો અને તંત્રની તત્પરતાને કારણે કરોડોની કિંમતની સરકારી અને રહેણાંકની જમીન ભૂમાફિયાઓના હાથમાં જતી બચી ગઈ હોય તેમ જણાય છે.
