આજનું હવામાન : હવે ગુજરાતમાં ઠંડીનો કહેર ! આ તારીખથી અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ બદલાયેલા વાતાવરણ પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષા છે.

માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ બદલાયેલા વાતાવરણ પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષા છે. હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ-કાશ્મીર સુધીના પહાડી વિસ્તારોમાં હાલ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લાહોલ-સ્પિતિ જિલ્લાના તાબોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન માઇનસ 5.5 ડિગ્રી નોંધાયું હતું.
હવે ગુજરાતમાં ઠંડીનો કહેર !
ઉત્તર ભારતમાં ઠંડીએ પોતાની રફતાર પકડી લીધી છે. છેલ્લા 48 કલાકમાં હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે. ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા, કાંગડા અને મંડી જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં પણ હવામાન બદલાયું છે. જમ્મુ-કાશ્મીરના પર્વતોમાં બરફવર્ષા નોંધાઈ છે.
વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ પણ હિમવર્ષાથી સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે, જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે. હવામાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કાશ્મીરના ઊંચા પહાડી વિસ્તારોમાં વધુ હિમવર્ષાની અપેક્ષા છે, જે શિયાળુ રમતગમતના ઉત્સાહીઓ માટે ખુશીનો પ્રસંગ બનશે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન જમ્મુ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને હિમવર્ષા સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.
અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં પણ માવઠાની અસર ઓછી થતા જ શિયાળાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. ગુરુવાર રાત્રે કચ્છના નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. નવેમ્બર મહિનામાં સામાન્ય ઠંડીનો અનુભવ થશે, પરંતુ ડિસેમ્બરની શરૂઆત અત્યંત આકરી સાબિત થઈ શકે છે.
હાલમાં કચ્છ જિલ્લામાં વાતાવરણીય વિષમતાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડક હોય છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. નલિયામાં તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થતાં તે રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું હતું. તેની સામે, ભુજમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ મથક હતું. રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, અમરેલીમાં 18.4 ડિગ્રી, ડીસામાં 18.8 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી, રાજકોટમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 20.2 ડિગ્રી, વડોદરામાં 20.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી અને ભાવનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
