Sabarkantha: ઈડર વિસ્તારમાં ચંદનના વૃક્ષોની ચોરી થતા ફરીયાદ, 2 સ્થળો પર તસ્કરો ત્રાટક્યા
સાબરકાંઠા જિલ્લાનો ઈડર વિસ્તાર ચંદનના ઉછેર માટે જાણીતો છે, પરંતુ અહીં તસ્કરોએ ખેડૂતોને પરેશાન કરી મુક્યા છે. વિસ્તારના ખેડૂતોએ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં ચંદન (Sandalwood) તસ્કરોએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે. રાત્રી દરમિયાન ચંદનના ઝાડ કાપી જવાની ઘટનાઓ ફરી એકવાર સર્જાતા ચંદનની ખેતી કરતા ખેડૂતો અને કુદરતી ચંદનના ઉછેર કરતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ઇડરના ચાંડપ ગામની સિમમાં ચંદનના ખેતરમાંથી તસ્કરો રાત્રી દરમિયાન ઝાડ કાપી તેના સુગંધીદાર લાકડા ચોરી કરી લઈ ગયા છે. ઇડર પોલીસે (Idar Police Station) બે જુદી જુદી ઘટના અંગે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ચંદન તસ્કરોથી ઈડર પંથક સૌથી વધુ ત્રાસ સહન કરી રહ્યુ હોય એવી સ્થિતી છે. વિસ્તારમાં ચંદન પ્રમાણ વિશેષ છે અને જેને લઈ વિસ્તારમાં ચંદન તસ્તરો આંતક મચાવી ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. અગાઉ વસાઈ વિસ્તારમાં ચંદનની ચોરીને લઈ ખેડૂતો રોષે ભરાયા હતા અને જે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ તે સમસ્યામાં રાહત સર્જી હતી. સાથે જ કેટલાક તસ્કરોને પણ ઝડપી લેવાયા હતા. પરંતુ હાલમાં ફરી એક વાર ચંદન ચોરીનો સિલસિલો સામે આવ્યો છે.
આ વખતે તસ્કરોએ ચાંડપ ગામના ખેડૂતોને નિશાન બનાવ્યા છે. વિસ્તારના ખેડૂતોએ વાવેતર કરેલ ચંદનના ઝાડને કાપીને તેના લાકડાની ચોરી કરવામાં આવી છે. બે જુદી જુદી ઘટનાઓમાં 1 લાખ રુપિયા જેટલી અંદાજીત કિંમતના ચંદનના લાકડાની ચોરી તસ્કરોએ કરી છે. અશોકકુમાર ચુનિલાલ પટેલે 12 વર્ષ પહેલા ચંદનના વૃક્ષનુ વાવેતર કર્યુ હતુ. જેને તસ્કરોએ કાપીને 10 કીલો વજન જેટલા લાકડાની ચોરી કરી હતી. આવી જ રીતે ચાંડપ ગામના વિનુભાઈ પ્રજાપતિના ખેતરમાં વાવેલ ચંદનના ઝાડ પૈકી 2 ઝાડને કાપી નાંખવામાં આવ્યા હતા. જેમાંથી પણ 10 કીલોગ્રામ જેટલુ લાકડુ તસ્કરો ચોરી કરી ગયા હતા. તસ્કરોએ સળંગ બે દિવસ વારાફરતી આવીને બંને ખેતરોને નિશાન બનાવ્યા હતા.
ઇડરનુ વસાઈ કુદરતી ચંદન માટે જાણીતુ
ઇડર તાલુકાનુ વસાઈ ગામ કુદરતી ચંદનના ઉછેર માટે જાણીતુ છે. અહીં આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચંદનના વૃક્ષ કુદરતી રીતે જ ઉગી નિકળે છે. વર્ષો જૂના ચંદનના વૃક્ષો મોટા પ્રમાણમાં અહી હતા. પરંતુ તસ્કરોએ વિસ્તારમાંથી એક બે નહી પણ ડઝન બંધ કુદરતી ચંદનના વૃક્ષોની ચોરી કરી વિસ્તારની ઓળખનુ નિકંદન નિકાળી નાંખ્યુ છે. વિસ્તારમાં ચંદનના વૃક્ષોને સાચવવા માટે સ્થાનિકો દ્વારા દિવસ રાત મહેનત કરવા છતાં તસ્કરો ઝાડને કાપી જતા રોષ વ્યાપતો હોય છે.