Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી
આગામી 1 એપ્રિલ થી ઘઉંની ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા શરુ થનારી છે, આ માટે નોંધણી કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ છે. વળી ટેકાના ભાવની ખરીદ કિંમતમાં પણ ચાલુ સાલે વધારો કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી ( Aravalli) જિલ્લામાં હાલમાં ઘઉંના ઉત્પાદનની ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન (Online Registration of support price of wheat) થઇ રહ્યુ છે. જોકે ખેડૂતોએ ગત વર્ષના પ્રમાણમાં આ વખતે ખૂબ જ નિરસતા દર્શાવી છે. ગત સાલની સરખામણીમાં માંડ 10 ટકા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંને વેચવા માટે નોંધણી કરાવી છે. આ માટે ખુલ્લા બજારમાં સારા ભાવને માનવામાં આવી રહ્યુ છે. હાલમાં ખુલ્લા બજારમાં હિંમતનગર અને મોડાસાના બજારોમાં ઘઉંના ઉંચા ભાવ 600 રુપિયાની આંબી ચુક્યા છે, તો નિચા ભાવ સવા ચારસો ની આસપાસ રહે છે. આમ ખેડૂતને સરેરાશ ભાવ ખુલ્લી હરાજીમાં સારા મળી રહ્યા છે.
આગામી 31 માર્ચ સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે હાલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગત સિઝનના પ્રમાણમાં આ વખતે ઘઉંની ખરીદીમાં 40 રુપિયાનો ભાવ વધારો પ્રતિક્વિન્ટલે કરવામાં આવ્યો છે. આમ 403 રુપિયાના ભાવે ટેકાના ભાવે ખરીદી કરવા માટે હાલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જોકે હાલમાં નવા વધેલા ભાવ સામે પણ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંના ઉત્પાદનનુ વેચાણ કરવા માટે નિરસતા દર્શાવી છે. ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં 9207 જેટલા ખેડૂતોએ ઘઉંના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરી હતી. જ્યારે અરવલ્લી જિલ્લામાં 6995 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેની સામે આ વરસે સાબરકાંઠા જિલ્લામાં માત્ર 805 અને અરવલ્લી જિલ્લામાં 944 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
ખુલ્લી હરાજીમાં સારા ભાવે નોંધણી ઓછી
ખરીદી પ્રક્રિયા અંગે ની કાર્યવાહી સંદર્ભે ટીવી9 સાથેની વાચચીતમાં નાગરિક પુરવઠા નિગમ હિંમતનગરના મામલતદાર વિજય પટેલે કહ્યુ હતુ કે, ખેડૂતોને હાલમાં બજાર ભાવ સારા મળી રહ્યા છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં ઘઉંના સારા ભાવ મળવાને લઇને ખેડૂતો ટેકાના ભાવે ઉત્પાદન વેચવા માટે ઓછા નોંધાયા છે. જોકે હજુ અંતિમ સપ્તાહ હોઇ શક્ય છે, તેમાં નોંધણી વધી શકે છે અને આ માટે સરકારની યોજના મુજબ અમે ખેડૂતોને જાગૃતી પ્રેરતી અપિલ પણ કરીએ છીએ. 31 માર્ચ સુધી ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલનારી છે. આગામી 1 એપ્રિલ થી નોંધાયેલા ખેડૂતો પાસેથેી ઘઉંની ખરીદી શરુ કરવામાં આવનાર છે
ખેડૂતોની આ નિરસતા પાછળ મૂળ કારણ ખુલ્લા બજારમાં વઘુ ભાવ મળી રહ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ખુલ્લા બજારમાં હાલમાં 450 થી 630 રુપિયા જેટલો હિંમતનગર માર્કેટયાર્ડમાં મળી રહ્યો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં 425 થી 553 રુપિયા જેટલો મળી રહ્યો છે. આમ આ ભાવ ટેકાના ભાવના પ્રમાણમાં વધારે છે, જેથી સ્વભાવિક જ ખેડૂતો ખુલ્લા બજાર તરફ ધસારો રાખે. જોકે હવે બજારોમાં ધીરે ધીરે ઘઉંની આવકોમાં વધારો થવાની શરુઆત થઇ રહી છે, જેથી ખેડૂતો પણ બજારના ભાવ આ જ પ્રકારે જળવાઇ રહે એવી આશા રાખી રહ્યા છે.
ક્યા કેટલી નોંધણી થઇ, જુઓ
સાબરકાંઠા જિલ્લો | અરવલ્લી જિલ્લો | ||
તાલુકો | નોંધાયેલ ખેડૂત | તાલુકો | નોંધાયેલ ખેડૂત |
હિંમતનગર | 59 | મોડાસા | 231 |
ઇડર | 245 | માલપુર | 47 |
ખેડબ્રહ્મા | 143 | મેઘરજ | 105 |
તલોદ | 27 | ભિલોડા | 166 |
પ્રાંતિજ | 58 | બાયડ | 397 |
વડાલી | 254 | ધનસુરા | 38 |
વિજયનગર | 19 |