સાબરકાંઠા: CM ભૂપેન્દ્ર પટેલે વંચિત વર્ગની મહિલાઓના પગ ધોઇ લૂછ્યા, CR પાટીલે કહ્યુ, પેજ પ્રમુખ વિમા સુરક્ષિત પેજ ની ફરજ અદા કરે
મુખ્યપ્રધા ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા મહિલાઓ લક્ષી અમલમાં મૂકાયેલી યોજનાઓની વાતો કરી લાભ લેવા આહવાન કર્યુ હતુ
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર (Himmatnagar) ખાતે નાર્યેસ્તુ વંદના કાર્યક્રમ અને અનુસુચિત જાતીને વંચિંત વર્ગની મહિલાઓના સન્માન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ ભાજપ (BJP Gujarat) અધ્યક્ષ સીઆર પાટીલે (CR Paatil) હાજરી આપી હતી. મહિલાઓના સન્માન કરવાને લઇને ગૌરવ દર્શાવી સરકારની યોજનાઓ અને મહિલાઓની સલામતિ માટેની કટીબદ્ધતાઓને લઇને વાત કરી હતી.
આ સાથે જ સીઆર પાટીલે તમામ પેજ પ્રમુખોને વિમા સુરક્ષિત પેજ બનાવવા માટેની હાકલ કરી હતી. હિંમતનગર વિસ્તારની ગંગાસ્વરુપ મહિલાઓની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓનુ સન્માન કર્યુ હતુ.
હિંમતનગર સ્થિત ડો નલિનકાન્ત ગાંધી ટાઉન હોલમાં યોજાયેલ મહિલા સન્માન કાર્યક્રમમાં અનુસુચિત જાતિની મહિલાઓના પાદ પ્રક્ષાલન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતુ. તેઓે મહિલાના પગને પોતાના હાથો વડે ધોઇને લુછ્યા હતા. તેમની સાથે સીઆર પાટીલ પણ પ્રક્ષાલનમાં જોડાયા હતા. પાટીલે ધારાસભ્યોને પણ આ પ્રકારના કાર્યક્રમ યોજવા માટે આહવાન કર્યુ હતુ.
પ્રક્ષાલન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, ધર્મ અને જાતિ પ્રત્યેનો સામનો થવાની ઘટનાઓ જોવા મળતી હોય છે. પરંતુ જેમ આપણે સૌ છોડમાં રણછોડ જોઇએ છીએ એમ માણસ માણસમાં પણ રણછોડ જોઇએ તો આ સમસ્યા હલ થઇ જાય. તેઓએ સામાજીક સમરસતાને લઇને એક બીજામાં રણછોડનો ભાવ જોવા માત્રથી સામનાની સ્થિતી શૂન્ય કરી દેતો હોવાની વાત સમજાવી હતી.
વિમા સુરક્ષીત પેજ
સીઆર પાટીલે સ્વામિનારાયણ મંદિર સ્થિત યોજાયેલ નાર્યેસ્તુ વંદના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, 10 વર્ષની કોઇ દિકરી સુકન્યા યોજનાથી બાકાત ના રહી જાય એ જવાબદારી આપણે નિભાવવાની છે. તેઓએ કહ્યુ હતુ કે, તમામ પેજ પ્રમુખોએ પોતાના પેજમા રહેલા તમામ લોકોના પરિવારની દિકરીઓ આ યોજનામાં સમાવિષ્ટ થાય એ જવાબદારી નિભાવવાની છે. સાથે જ પેજમાં રહેલ તમામ પરિવારો પણ વિમા યોજનાથી સુરક્ષીત રહે તે જોવાની ફરજ અદા કરવાની છે. પાટીલે રાજકીય જવાબાદારી જ નહી પરંતુ સામાજીક ફરજ સરકારની યોજનાઓના ઉપયોગ થકી નિભાવવાની સલાહ આપી હતી.
સીઆર પાટીલે કહ્યુ હતુ જે રીતે નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા મહિલાઓને લઇને યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે તેનાથી મહિલાઓને સીધો ફાયદો મળી રહ્યો છે. સુકન્યા યોજના તેમાંની એક છે જે દિકરીઓના ભવિષ્યને મજબૂત કરે છે. પૂર્વ રાજ્ય કક્ષાના પ્રધાન સ્વ. રણજીતસિંહ ચાવડાની તીથી નિમીત્તે કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સાથે બંને કાર્યક્રમોમાં રાજ્યના પ્રધાનો પ્રદિપભાઇ પરમાર, મહિલા બાળ મંત્રી મનિષાબેન વકિલ, ઉચ્ચ શિક્ષણ પ્રધાન કુબેરભાઇ ડિંડોળ અને અન્ન નાગરિક પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મહિલા શક્તિને લઇને પ્રેરણાત્મક વિષયો રજૂ કર્યા હતા. ઇડર ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડીયા (Hitu Kanodia) એ પણ ઉપસ્થિત રહી મહિલા શક્તિ અને માતૃ શક્તિની વાત કરી હતી.