AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબર ડેરી કે ‘બાબુ’ ડેરી? ચેરમેન પદની રેસ વચ્ચે સત્તાની સોગઠાબાજી અને પડદા પાછળના ખેલની ચર્ચા, જુઓ Video

સાબર ડેરીમાં આગામી ચેરમેન પદની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્તમાન ચેરમેન સામે નવા દાવેદારો મેદાનમાં છે. કરોડોની ઓફર અને કોન્ટ્રાક્ટરોના પ્રભુત્વના ગંભીર આક્ષેપોથી ચૂંટણી વધુ રસપ્રદ બની છે.

Breaking News : સાબર ડેરી કે ‘બાબુ’ ડેરી? ચેરમેન પદની રેસ વચ્ચે સત્તાની સોગઠાબાજી અને પડદા પાછળના ખેલની ચર્ચા, જુઓ Video
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 03, 2026 | 5:52 PM
Share

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો અને ખેડૂતો માટે આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ એવી સાબર ડેરીમાં આગામી 26 નવેમ્બરે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે ડેરીની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે. અત્યાર સુધી ડેરીના વહીવટમાં પ્રભુત્વ ધરાવતા વર્તમાન ચેરમેન શામળ પટેલ સામે અન્ય ચાર દાવેદારો પણ મેદાનમાં ઉતર્યા હોવાની ચર્ચા છે. પરિણામે ચેરમેન પદની આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બીજી તરફ, ચૂંટણી નજીક આવતાં ડેરીના વહીવટ, કોન્ટ્રાક્ટ અને સત્તાના કેન્દ્રને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સેન્સ પ્રક્રિયા પહેલાં જ રાજકીય ગરમાવો, કરોડોની ઓફરની ચર્ચા

તાજેતરમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો હિંમતનગર પહોંચ્યા હતા, જ્યાં સાબર ડેરીના નિયામકો અને સ્થાનિક હોદ્દેદારો સાથે ચેરમેન પદના ઉમેદવારને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા પહેલાં જ રાજકીય વર્તુળોમાં એક બેઠકને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી.

સ્થાનિક સૂત્રોના દાવા મુજબ, વર્તમાન ચેરમેન શામળ પટેલને ફરીથી આ પદ પર બેસાડવા માટે કેટલાક ડિરેક્ટરોને પોતાની તરફેણમાં રાખવાના પ્રયાસો થયા હતા. આ માટે ડિરેક્ટરોને એક કરોડ રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી હોવાની પણ ચર્ચા છે. આ બેઠક એક જાણીતા કોન્ટ્રાક્ટરના ગોડાઉનમાં યોજાઈ હોવાની વાતો પણ સામે આવી રહી છે.

જોકે, આર્થિક ઓફર અંગેના આક્ષેપોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઓફર કોણે કરી હતી અને તેની પાછળ ખરેખર કોનો હાથ હતો તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. તેથી આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માગ ઊઠે તો નવાઈ નહીં.

‘સાબર ડેરી રહે, બાબુ ડેરી ન બની જાય’ : ધવલસિંહ ઝાલાના નિવેદનથી ચર્ચા તેજ

સેન્સ પ્રક્રિયા દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના એક નિવેદને સમગ્ર મામલાને વધુ ચર્ચામાં લાવી દીધો હતો. તેમણે ‘સાબર ડેરી રહે, બાબુ ડેરી ન બની જાય’ તેવો સવાલ ઉઠાવીને ડેરીના વહીવટમાં કોન્ટ્રાક્ટરોની કથિત ભૂમિકા સામે આડકતરી રીતે સવાલો કર્યા હતા.

સ્થાનિક રાજકીય વર્તુળોમાં ‘બાબુ’ નામની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. આ નામ બાબુ પુરોહિત સાથે જોડવામાં આવી રહ્યું છે. આક્ષેપો એવા થઈ રહ્યા છે કે સાબર ડેરીમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી શામળ પટેલ ચેરમેન હોવા છતાં પડદા પાછળ કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં કોન્ટ્રાક્ટર બાબુ પુરોહિતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.

નાના વેપારીથી મોટા કોન્ટ્રાક્ટર સુધીની સફર, અનેક સવાલો

ચર્ચા મુજબ, વર્ષ 2007માં બારદાનના નાના વેપારી તરીકે સાબર ડેરી સાથે જોડાયેલા બાબુ પુરોહિતે સમય જતાં ડેરી સાથે સંકળાયેલા વિવિધ કોન્ટ્રાક્ટમાં પોતાનું પ્રભુત્વ વધાર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આજે તેઓ કરોડો રૂપિયાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની પણ ચર્ચા છે.

સાબરદાણ અને કેટલ ફીડના કોન્ટ્રાક્ટથી લઈને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સુધીના વિવિધ કામોમાં તેમની ભૂમિકા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ડેરીમાં કોન્ટ્રાક્ટની ફાળવણી, કર્મચારીઓની નિમણૂક અને લેબોરેટરીમાં દૂધ તથા પશુઆહારના સેમ્પલની પ્રક્રિયા જેવા મુદ્દાઓમાં પણ પડદા પાછળથી દખલગીરી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.

જોકે, આ તમામ આક્ષેપોની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થવી જરૂરી છે. ડેરીના વહીવટમાં ખરેખર કોની કેટલી ભૂમિકા છે તે અંગે સંબંધિત પક્ષોનો ખુલાસો પણ મહત્ત્વનો બની રહે છે.

ચેરમેન કોઈપણ બને, સત્તાનો દોર કોના હાથમાં રહેશે?

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો એ છે કે આગામી સમયમાં સાબર ડેરીનું સુકાન કોના હાથમાં જશે અને ડેરીના વહીવટ પર વાસ્તવિક નિયંત્રણ કોનું રહેશે?

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે વર્તમાન પરિસ્થિતિમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે વિવિધ દાવેદારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડાઈ રહી છે. કેટલાક આક્ષેપો મુજબ, વિપુલ પટેલના નામને આગળ વધારવા માટે પણ પડદા પાછળથી લોબિંગ થઈ રહ્યું છે. જોકે, આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે પશુપાલકો અને ડેરી સાથે સંકળાયેલા લોકોમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે ચેરમેન પદે કોઈપણ વ્યક્તિ આવે, પરંતુ ડેરીના મહત્ત્વના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવાશે કે પછી કોન્ટ્રાક્ટરોનું પ્રભુત્વ યથાવત્ રહેશે?

સહકારી ક્ષેત્રની વિશ્વસનીયતા સામે સવાલ, ભાજપ સંગઠન શું નિર્ણય લેશે?

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા દેશભરમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતો તથા પશુપાલકોને સીધો લાભ મળે તે માટે સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સાબર ડેરી જેવી મહત્ત્વપૂર્ણ સહકારી સંસ્થામાં સત્તા અને કોન્ટ્રાક્ટને લઈને ઊભા થતા વિવાદો સહકારી વ્યવસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઊભા કરે છે.

હવે સૌની નજર ભાજપના પ્રદેશ નેતૃત્વ અને સંગઠનના આગામી નિર્ણય પર છે. શું સંગઠન ડેરીના વહીવટમાં પારદર્શિતા જાળવવા માટે કડક વલણ અપનાવશે? શું 26 નવેમ્બરે યોજાનારી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થશે? અને સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે સાબર ડેરીનું સુકાન ખરેખર પશુપાલકો અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપનાર વ્યક્તિના હાથમાં આવશે કે પછી સત્તાની ખેંચતાણમાં ડેરીના મૂળ હેતુઓ પાછળ રહી જશે?

આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો સાબર ડેરીની ચૂંટણી માત્ર ચેરમેન પદની લડાઈ રહી નથી, પરંતુ ડેરીના વહીવટ, પારદર્શિતા અને સહકારી ક્ષેત્રમાં સત્તાના પ્રભાવની પણ મોટી કસોટી બની છે.

સાબર ડેરીમાં ₹10 લાખની નોકરીના દાવા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">