Rain in Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમા વરસાદ
Rainfall Reports: સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. આ દરમિયાન બપોર બાદ હિંમતનગરમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. હિંમતનગર શહેર અને પશ્વિમ પટ્ટાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિક લોકો પરેશાન બન્યા હતા. લોકોને વરસાદી પાણીમાંથી વાહન પસાર કરવા મુશ્કેલ થયા હતા.
જિલ્લામાં હિંમતનગર ઉપરાંત પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ અને દિવસે વરસાદ વરસવાની સંભાવના જોવામાં આવી રહી હતી. આ મુજબ જ જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો.
હિંમતનગરમાં કેટલો વરસાદ નોંધાયો
બપોરના બે વાગ્યા બાદ હિંમતનગર શહેરમાં વરસાદ નોંધાયો હતો. શહેરના જૂની સિવીલ અને પોસ્ટ ઓફીસ વિસ્તારમાં વરસાદનુ જોર શહેરના અન્ય વિસ્તારના પ્રમાણમાં થોડુ વધારે રહ્યુ હતુ. શહેરમાં ટાવર ચોક, નાગરીક સહકારી બેંક અને આરામ ગૃહ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. પરશુરામ પાર્ક ના ગેટ આગળ તેમજ શાકમાર્કેટ આગળ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળતા હતા.
હિંમતનગર શહેરમાં બપોરે વરસેલો વરસાદ માત્ર એકાદ કલાકના અંતરમાં જ પોણા ઈંચ કરતા વધારે વરસ્યો હતો. વરસાદને લઈ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદ તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
અરવલ્લીમાં વરસાદ
સવારના 8 થી 10 કલાકના અરસા દરમિયાન મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મોડાસાના સબલપુર અને લાલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. સાથે જ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ સવારમાં જોવા મળ્યો હતો.