પોશીના સહિત સરહદી તાલુકાઓમાં લંપી વાયરસના કેસ વધ્યા, પશુપાલન વિભાગનો દાવો-પશુઓની અવર જવર કારણભૂત
પશુઓની અવર જવર પર હાલમાં જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ અંતરિયાળ વિસ્તારમાં લંપી વાયરસ (Lumpy Virus) ના કેસ પશુઓમાં વધી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં લંપી વાયરસ (Lumpy Virus) ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 31 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક પશુનુ મોત નિપજ્યુ છે. સાબરકાંઠા જિલ્લાનુ તંત્ર પણ હવે વધતા કેસોને લઈને સતર્ક થયુ છે. જિલ્લામાં લંપી વાયરસને લગતા લક્ષણો દેખાતા પશુઓને લઈ હવે સાવચેતી રાખવાની શરુઆત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લામાં 48 હજાર થી વધુ પશુઓને વેક્સિનેસન (Lumpy Virus Vaccine) સાબરડેરી સાથે મળીને કરવામાં આવ્યુ છે. સૌથી વધુ કેસ આદીવાસી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.
જિલ્લામાં પોશીના તાલુકામાં સૌથી વઘારે પ્રમાણમાં લંપી વાયરસની અસર જોવા મળી રહી છે. વિસ્તારમાં 15 જેટલા કેસ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા છે. આ અગાઉ પણ અહીં આંકડાઓ અન્ય તાલુકાઓના પ્રમાણમાં વધારે જોવા મળ્યા છે. જેને લઈ હવે વિસ્તારમાં તંત્ર સફાળુ થઈ પશુ ચિકિત્સકો મારફતે તપાસ હાથ ધરી છે. પોશીના ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. ખેડબ્રહ્માના મટોડા ગામમાં એક પશુનુ લંપી વાયરસને લઈ મોત નિપજ્યુ છે.
#Sabarkantha records 174 cases of #LumpyVirus so far ;authority on toes #Gujarat #TV9News pic.twitter.com/VB9bL0MnNG
— Tv9 Gujarati (@tv9gujarati) August 11, 2022
પશુપાલન અધિકારી શુ કહે છે?
પશુપાલન વિભાગના જિલ્લા અધિકારી જનક પટેલે આ અંગે કહ્યુ હતુ કે, લક્ષણો દેખાતા પશુઓને લઈ તેમની તપાસ શરુ કરી દેવામાં આવી છે. જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પણ કરાઈ છે. 174 જેટલા કેસ નોંધાયા છે. ખેડબ્રહ્મામાં 2 કેસ નોંધાયા છે. જાનવરોની સ્થિતી હાલમાં રીકવરી મળી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોશીના અને વિજયનગર તાલુકો એ સરહદી વિસ્તારને જોડતો હોવાને લઈ પશુઓની અવર જવરને લઈ આ કેસ નોંધાઈ રહ્યા હોવાનુ અધિકારીએ જણાવ્યુ હતુ.
પશુઓની હેરફેરને લઈ પ્રતિબંધ
જોકે આ પહેલા જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા પશુઓની હેરાફેરી અંગે પ્રતિબંધ મુકતુ જાહેરનામુ થોડાક દીવસો અગાઉ જ બહાર પાડ્યુ હતુ. જે મુજબ કોઈ પણ પશુઓને એક સ્થળે થી બીજા સ્થળે હેરફેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ જિલ્લામાં જો કોઈ પશુઓની હેરાફેરી કરી તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ દર્શાવી હતી. જોકે આમ છતા પશુપાલન અધિકારીનુ માનવુ છે કે, રોગચાળો સાબરકાંઠા જિલ્લાના સરદહી વિસ્તારમાં પશુઓની રાજ્ય ફેર અવર જવરને લઈ ફેલાઈ રહ્યો છે.