અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ તપાસમાં લાગી
અમદાવાદના સાણંદ ખાતેની કંપનીમાંથી લાખ્ખો રુપિયાનો સામાન ભરેલી ટ્રક બિનવારસી હાલતમાં હિંમતનગર નજીકથી મળી આવી હતી. જેમાં ભરેલો સામાન ગાયબ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ના ટ્રાન્સ્પોર્ટરની ટ્રક દ્વારા સાણંદ વિસ્તારમાં આવેલી એક કંપનીમાંથી સિક્કીમ (Sikkim) મોકલવાનો માલ ભરવામાં આવ્યો હતો. ટ્રકમાં સામાન કિંમતી ભરેલો હતો અને તેને લઈને સિક્કીમ જવા માટે રવાના થયેલી ટ્રક માંડ 100 કિલોમીટર ચાલ્યા બાદ બિનવારસી હાલતમાં છોડી દેવાયેલી મળી આવી હતી. ટ્રકમાં ભરેલો માલ સામાન ગાયબ હતો અને ટ્રકના ચાલકનો પણ કોઈ પત્તો નહીં લાગતા ગાંભોઈ પોલીસે (Gambhoi Police) ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
ટ્રક અમદાવાદથી નિકળ્યા બાદ બિનવારસી હાલતમાં હિંમતનગરના ગામડી ગામ નજીક પડેલી મળી આવી હતી. ટ્રકનો ડ્રાયવર નજીકમાં ચાની કિટલી વાળાને ડિઝલ ખલાસ થઈ ગયુ હોઈ તે લેવા માટે જઈ રહ્યો હોવાનુ કહી ટ્રક મુકી ગયો હતો. મધ્યરાત્રીના અરસા દરમિયાન ટ્રક મુકી જતા રહેલા ડ્રાયવરને લઈ પોલીસને ડ્રાયવરે જ ટ્રકનો સામાન ચોરી કે ગાયબ કર્યાની આશંકા જતા તે અંગેની ફરીયાદ નોંધી તપાસ શરુ કરી છે.
ચાલકનો ફોન બંધ આવતા ફાળ પડી
સાણંદની કંપનીએ 2 ટ્રક મારફતે સિક્કીમ માલ પહોંચાડવાનો હોઈ જે માટે બે ટ્રકમાં સામાન ભરવામાં આવ્યો હતો. બંને ટ્રકને ગઈ 12 તારીખે અમદાવાદથી રવાના કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદના શિવશક્તિ લોજીસ્ટીક કર્મચારીએ ટ્રકના ચાલકને બીજા દિવસે ફોન કર્યો હતો. જે ફોન સતત બંધ આવતો હતો. જેને લઈ કર્મચારીને કંઈક બન્યુ હોવાની ફાળ પડતા જ તેણે રાવત ટ્રાન્સપોર્ટ સર્વિસના ચિરાગ ભરવાડને કોલ કર્યો હતો અને જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે 14 તારીખે સવારે મનોજ ધૂપ્પડનો કોલ આવ્યો હતો કે, તમારો સામાન ભરેલી એક ટ્રક હિંમતનગર નજીક રસ્તામાં પડેલી છે.
જેને લઈ અમે મનોજભાઈ અને ચિરાગ ભરવાડ સહિકના એક સાથે જ હિંમતનગર જવા માટે નિકળ્યા હતા. જ્યાં ટ્રકના માલિકે રોડ પર ગામડી ગામે પડેલી ટ્રક બતાવી હતી. જેમાં ભરેલો સામાન જ નહોતો. જ્યારે ટ્રકનુ GPS પણ બંધ કરી દેવામાં આવ્યુ હતુ.
ગાંભોઈ પોલીસે તપાસ શરુ કરી
ઘટના અંગે ગાંભોઈ પોલીસના ઈન્ચાર્જ PSI ગૌતમ સ્વામીએ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. નોંધાયેલી ફરીયાદ મુજબ ફોઈલ્સ રોલ 11 નંગ સહિત 30 લાખ 38 હજાર રુપિયાનો સામાન ચોરી થયો છે. જે તમામ સામાન ગૂમ થયો હોવાને લઈ ચોરી કરી હોઈ અથવા સંતાડી દીધો હોય એવી આશંકા સાથે ગાંભોઈ પોલીસે તપાસ શરુ કરી છે. ગૌતમ સ્વામીએ જુદી જુદી ટીમો બનાવીને તપાસ માટે અમદાવાદ અને ટ્રક ડ્રાયવર પ્રભુ ગુર્જર રહે માલાસ. તા. કરેડા. જિ. ભીલવાડા રાજસ્થાનને ટેકનિકલ સર્વેલન્સ આધારે ટ્રક રવાના થયા બાદ કરેલા તમામ સંપર્કોને ચકાસવાની શરુઆત કરી છે. આ ઉપરાંત CCTV ચેક કરવાની શરુઆત કરી છે.