SK Bank ની આજે સામાન્ય ચૂંટણી, મતદાન પ્રક્રિયા શરુ થઈ, મોડી સાંજે પરિણામ સામે આવશે
SK Bank Election: સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની આજે ચૂંટણી યોજાઈ રહી છે. સામાન્ય ચૂંટણી માટે આજે 6 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સવારે 8 કલાકથી શરુ થઈ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠા બેંકની શાખાઓ આવેલી છે.
સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (Sabarkantha Cooperative Bank) ની આજે ચૂંટણી યોજાઈ રહી છે. સામાન્ય ચૂંટણી માટે આજે 6 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સવારે 8 કલાકથી શરુ થઈ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠા બેંકની શાખાઓ આવેલી છે. બેંકની સત્તા મેળવવા માટે છેલ્લા બે મહિનાથી સોગઠા ગોઠવાઈ રહ્યા છે. આ દરમિયાન હવે ચુંટણીમાં 12 ડીરેક્ટર બેઠકો બિનહરીફ થઈ છે અને બાકીની 6 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે.
જુનના અંતમાં અને જુલાઈ માસની શરુઆતે જ ઉમેદવારીને લઈને માહોલ ગરમ જોવા મળી રહ્યો હતો. ઉમેદવારી કર્યા બાદ પણ કેટલાક ઉમેદવારો વચ્ચે સમાધાન કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. બેંકની સત્તા શાંતિપૂર્ણ રીતે નવા બોર્ડના હાથમાં પહોંચે અને આ માટે પસંદગી મુજબના ડિરેક્ટરોને લઈ બિનહરીફ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના થકી કેટલાક ડિરેક્ટર પદ પર ભાજપ દ્વારા બિનહરીફ બેઠકો કરવામાં સફળતા મેળવાઈ હતી.
બપોર સુધી મતદાન, બાદમાં મતગણતરી
સવારે આઠ કલાકથી મતદાનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. હિંમતનગર શહેરમાં આવેલી શાળામાં મતદાન પ્રક્રિયાનુ આયોજન કરવામાં આવ્યુ છે. મતદાનની પ્રક્રિયા સવારે 8 થી બપોરે 3 કલાક સુધી ચાલશે. બંને જિલ્લાના મતદારો અહીં મતદાન કરશે. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા કરાવવા માટે ચૂંટણી અધિકારી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
મતદાનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ વિરામ બાદ તુરત જ મતગણતરીની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આમ મોડી સાંજ સુધીમાં તમામ છ બેઠકના પરિણામ સામે આવશે. આ સાથે જ નિશ્ચિત થઈ શકશે કે, સત્તાના સુત્રો કોના હાથમાં પહોંચશે.
ભાજપના 8 કાર્યકરો-આગેવાનો સસ્પેન્ડ
ઈડર વિસ્તારમાંથી ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટની વિરુદ્ધમાં 8 કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉમેદવારી ચાલુ રાખવામાં આવી હતી. આ આઠેય લોકોએ મેન્ડેટ ધરાવતા ઉમેદવારની સામે પડવાને લઈ ભાજપે આખરે તમામ આઠેય કાર્યકરો અને આગેવાનોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષની શિસ્ત ચૂકવાને લઈ ભાજપે આકરો નિર્ણય કરતા તમામ આઠેય આગેવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ આગેવાનો ઈડર વિસ્તારના છે.
સસ્પેન્ડ કરાયેલ ભાજપના આગેવાનો
- કનૈયાભાઈ ગોપાલભાઈ પટેલ, દાવડ, તા. ઈડર
- ભીખાભાઈ વિરચંદભાઈ પટેલ, કાનપુર, તા. ઈડર
- હેમંતભાઈ નચ્છાભાઈ પટેલ, જાદર, તા. ઈડર
- સતિષ હીરાભાઈ પટેલ, મેસણ, તા. ઈડર
- ભોગીભાઈ ગિરધરભાઈ પટેલ, બડોલી, તા. ઈડર
- વિઠ્ઠલભાઈ છગનભાઇ પટેલ, ભુવેલ, તા. ઈડર
- અશોકભાઈ રેવાભાઈ પટેલ, લાલપુર, તા. ઈડર
- કાન્તિભાઈ મણીભાઈ પટેલ, સીંગા, તા. ઈડર
આ પણ વાંચો : USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો