Sabarkantha: ઈઝરાયલ પર હમાસના હુમલાથી ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો દુઃખી, કેમ છે દિલમાં આટલો પ્રેમ? જાણો
ઈઝરાયલ પર હમાસના હુમલાને લઈ દુનિયાભરના અનેક દેશ અને લોકો પોતાની લાગણીઓને રજૂ કરી ચૂક્યા છે. પરંતુ ગુજરાતના આ વિસ્તારના ખેડૂતોને પણ ઈઝરાયલ પર થયેલા હુમલાને લઈ દુઃખ વર્તાઈ રહ્યુ છે. આ દુઃખ થવાનુ કારણ વિશેષ રહેલુ છે. ઈઝરાયલે તેમની ખેતીમાં સમૃદ્ધી વધે એ માટે અથાગ પ્રયાસ કર્યા છે. એટલે જ જાણે કે એકબીજા સાથે પરિવારની ભાવનાથી જોડાયા હોય એવી લાગણી વર્તાઈ રહી છે.
ઈઝરાયલ પર હમાસના હુમલાને લઈ દુનિયાભરના અનેક દેશ અને લોકો પોતાની લાગણીઓને રજૂ કરી ચૂક્યા છે. પરંતુ ગુજરાતના પ્રાંતિજ વિસ્તારના ખેડૂતોને પણ ઈઝરાયલ પર થયેલા હુમલાને લઈ દુઃખ વર્તાઈ રહ્યુ છે. આ દુઃખ થવાનુ કારણ વિશેષ રહેલુ છે. ઈઝરાયલે તેમની ખેતીમાં સમૃદ્ધી વધે એ માટે અથાગ પ્રયાસ કર્યા છે. એટલે જ જાણે કે એકબીજા સાથે પરિવારની ભાવનાથી જોડાયા હોય એવી લાગણી વર્તાઈ રહી છે.
આ પણ વાંચોઃ Gujarat Video: નવરાત્રીના તહેવારોમાં બાઉન્સર અને સિક્યુરિટીની વધી માંગ, ગરબા આયોજકોએ સલામતી પર મુક્યો ભાર
ભારત અને ઈઝરાયલના સંબંધો દોસ્તી ભર્યા છે. આ સંબંધોની ચર્ચા પણ છેલ્લા કેટલાક વર્ષથી ખૂબ થઈ રહી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્નિ ભારતની મુલાકાત પણ લઈ ચુક્યા છે. તેમના ભારત પ્રવાસમાં એક ખાસ સ્થળ પણ ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ એ છે, પ્રાંતિજનુ વદરાડ. પ્રાંતિજ વિસ્તાર શાકભાજીના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. આ વિસ્તારના ખેડૂતોની આવક અને ઉત્પાદન વધારવા માટે ઈઝરાયલના એગ્રીકલ્ચર વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ કોઈ જ કસર બાકી નથી રાખી.
નેતન્યાહુ અને મોદી સાથે ખેડૂતોનો વાર્તાલાપ
ગુજરાતના ખેતીવાડી વિભાગ સાથે મળીને આ દિશામાં ઉતકૃષ્ટ કાર્ય કરીને ખેડૂતોની સમૃદ્ધી વધારવાનુ કામ ઈઝરાયલે કર્યુ હતુ. જેને લઈ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અને તેમના પત્નિએ પ્રાંતિજના વદરાડની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ખેડૂતોને તેમની સાથે વિતાવેલી એક એક પળ અને તેમનો વાર્તાલાપ હજુ પણ નજર સામે તરવરી રહ્યો છે. કારણ કે, તેઓએ જ્યારે ખેડૂતો સાથે વાત કરતા ત્યારે તેમનો હાવ ભાવ ખેડૂતોના પ્રોત્સાહનને વધારનારો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સાથે આ સ્થળની મુલાકાત લઈને ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. તો વળી ઈઝરાયલના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પણ અનેકવાર ખેડૂતોને રુબરુ પ્રાંતિજ મળીને તેમને ખેતીમાં આધુનિકતા લાવવા માટે અનેક પ્રયાસ કર્યા છે.
હુમલાનુ ખેડૂતોને દુઃખ
બંને દેશના વડાપ્રધાન સાથે વાર્તાલાપ કરનાર મામરોલ ગામના ઘનશ્યામ પટેલે Tv9 સાથે વાતચીત કરતા કહ્યુ કે, આ સંબંધોએ ભારત અને ઈઝરાયલ જ નહીં પરંતુ પ્રાંતિજના ખેડૂતો અને ઈઝરાયલ વચ્ચે પણ એટલા જ ગાઢ માનવામા આવી રહ્યા છે. કારણ કે જેમણે સ્થાનિક ખેડૂતોની સમૃદ્ધી વધારવા, ખેતીની આવક વધારવા, ખેતીનુ ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે પ્રયાસો કર્યા હોય એ ખેડૂત પરિવારો તેમને લાગણીથી જોઈ રહ્યા છે. એટલે જ ઈઝરાયલ પરના હુમલાથી પ્રાંતિજના ખેડૂતો દુઃખ અનુભવી રહ્યા છીએ. ઈઝરાયલને અમાનવીય કૃત્યો સામે લડવાની શક્તિ આપે અને રક્ષણ થાય એવી લાગણીભરી પ્રાર્થના કરી રહ્યા હોવાનુ બતાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ, ઈઝરાયલની મદદ મેળવનારા સૌ સ્થાનિક ખેડૂતોમાં દુઃખની લાગણી રહી છે.
ઈઝરાયલ અને ભારતના સંબંધોનુ પ્રતિક
નેતન્યાહુ અને નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2018માં પ્રાંતિજના વદરાડની મુલાકાતે આવ્યા ત્યારે સાથે મળીને એક પથ્થરનુ સ્મારક ખુલ્લુ મુક્યુ હતુ. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સ્મારક સુરેન્દ્રનગરના ખાસ દુધીયા પથ્થરથી તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેને બંને દેશ વચ્ચેના સંબંધો અને દોસ્તીના પ્રતિક રુપ ગણાવવામાં આવ્યુ હતુ. આ સ્મારકને ખાસ કલાકારોએ તૈયાર કર્યુ હતુ.
વદરાડની મુલાકાત ઈઝરાયલના અધિકારીઓ, વૈજ્ઞાનિકો ઉપરાંત ઈઝરાયલના કૃષિ પ્રધાન પણ લઈ ચૂક્યા છે. તેઓ ખેડૂતોને મળીને ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે સમજાવી ચૂક્યા છે અને અનેક ટેકનોલોજીની ભેટ પણ આપી છે. આમ પ્રાંતિજ વિસ્તારના ખેડૂતો માટે ઈઝરાયલના માટે હ્રદયમાં વિશેષ ભાવ જોવા મળી રહ્યો છે.