સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી
હિંમતનગરમાં પ્રજા વેરો ભરતી રહી અને પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી છે. જેને લઈ હવે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર નગર પાલિકા વેરા વસૂલવાને લઈ રાજ્યમાં આગળ રહે છે. જોકે જે વેરા બાકી જ રહી જાય છે અને વારંવાર વસૂલાત માટે યાદ કરાવવા છતા પણ તે બાકીદાર કાંતો નેતા અને નેતાઓના સગાઓ હોવાનું સામે આવે છે.
હિંમતનગર નગર પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરીને રાજ્યમાં વખાણવામાં આવે છે. જોકે વખાણ પાછળ હજુ પણ એવા કેટલાક લોકોના વેરા વસૂલવાના બાકી રહી ગયા છે કે, જેઓ કેટલાય સમયથી વેરો જ ભર્યો નથી. હવે આ બાકી વેરાની યાદીમાં નેતાઓના અને તેમના સગાંઓના જ નામ સામે આવવાને લઈ આશ્ચર્ય સર્જાયુ છે. એક તરફ પ્રજા વેરાઓ ભરે અને નેતાઓ જ મનમાની કરે એવો ઘાટ જોવા મળી રહ્યો છે.
પાલિકાએ હવે આવા નેતાઓ સહિત જાણીતી પેઢીઓના માલિકો કે જે ક્યાંકને ક્યાંક વગદારો સાથે જોડાયેલા છે તેમના વેરા વસૂલવાની શરુઆત કરી છે. આવા બાકીદારોની યાદી નિકાળવામાં આવી છે. જે બાકીદારોને નોટિસ નગરપાલિકાએ ફટકારીને હવે વેરા વસૂલવાની કાર્યવાહી શરુ કરી છે.
Ex MLA અને પરિવારનો જ વેરો બાકી!
પ્રજા વેરાની નોટિસ મળે એટલે પાલિકાએ પહોંચી જાય અને વેરો ભરપાઈ કર્યાનું સુખદ આનંદ અનુભવે તો. કેટલાક આમ તેમ કરીને વેરો ભરપાઇ કરવા મજબૂરી પણ વેઠી લેતા હોય છે. આમ છેવટે પ્રજાની સંસ્થાના વેરાની રકમને સમયે ભરપાઇ કરી દે છે. જ્યારે નેતાઓ કે તેમના પરિવારજનો કે પછી વગદાર પેઢીઓની જ વેરાની રકમ ભરપાઇ ના થઇ હોય એ કેટલું યોગ્ય છે. આવા સવાલો હવે શહેરમાં થવા લાગ્યા છે.
પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાની બે પેઢીઓનો જ વેરો બાકી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રાજેન્દ્રસિંહ ચાવડાના ભાઇ દિગ્વીજયસિંહ રણજીતસિંહનો પણ બે પેઢીઓનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં દિગ્વીજયસિંહના નામે આશાપુરા ડેવલોપર્સ અને પુજા મોટર્સ નામની પેઢીનો વેરો બાકી છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય રણજીતસિંહના નામે સિદ્ધીવિનાયક કોર્પોરેશન પેઢી અને બીજી રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા અને અન્યના નામની પેઢીનો વેરો બાકી હોવાનું સામે આવ્યુ છે.
પાલિકાએ હવે પગલા ભરવાની આપી નોટિસ
નગર પાલિકાના ચીફ ઓફિસરે આ નોટિસ ઇશ્યૂ કરવા સાથે જ હવે વેરો નહીં ભરવામાં આવે તો, નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બાકીદારોના વેરા પર વ્યાજ પણ વસૂલવામાં આવનાર છે અને તે વ્યાજ સાથેની રકમ બાકી છે. આમ હજુ પણ આ જાણીતી પેઢીઓ અને નેતાઓ અને તેમના સગાંઓ દ્વારા વેરા બાકી રાખવામાં આવશે તો, પાલિકા દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
બાકીદારોની યાદી, જુઓ
આ પણ વાંચો: સાબરકાંઠાઃ ગૌચરમાં કોઇ ફાંસલો ગોઠવતા દીપડાનું મોત, વન વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો