Sabar Dairy: સાબરડેરીના ડિરેક્ટર બનવુ એટલે લોઢાના ચણા ચાવવા પડશે? ચુંટણીના પેટા નિયમમાં શુ ફેરફાર કરાયો, જાણો
Sabar Dairy: 30, જૂન શુક્રવારે સાબરડેરીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ દરમિયાન ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ ચુંટણી અંગેના પેટાનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
સાબરડેરીમાં હવે ડિરેક્ટર બનવુ અઘરુ થઈ પડશે. આ સવાલ 30 જૂને યોજાયેલી સામાન્ય સભા બાદ થવા લાગ્યો છે. કેટલીક દૂધ મંડળીઓના ચેરમેન દ્વારા આ અંગેનો રોષ પણ નિકાળ્યો છે અને તેની ચર્ચા પણ શરુ થઈ ગઈ છે. સાધારણ સભા પહેલા જ કેટલાક આગેવાનો દ્વારા આ અંગેની ચર્ચાઓ શરુ કરવામાં આવી હતી. પરંતુ હવે તો સાધારણ સભા થયા બાદ આ મુદ્દાએ વેગ પકડ્યો છે. બાયડના ધારાસભ્યએ તો સાધારણ સભામાં હાજરી આપ્યા બાદ આ મુદ્દાને મુખ્યપ્રધાન સમક્ષ લઈ જવાશે એમ પણ કહ્યુ છે.
આમ થવાનુ કારણ શુ છે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો એ પણ જાણી લઈશુ. પરંતુ એ પહેલા જણાવી દઈએ કે વાર્ષિક સાધારણ સભામાં સાબરડેરીના ચુંટણીના પેટાનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને લઈ કેટલાકને મન એમ થઈ રહ્યુ છે કે, પશુપાલકોને પ્રતિનિધિત્વ કરવામાં મુશ્કેલી ઉભી થશે. તો વળી નવા પ્રતિનિધિ પણ સામે નહી આવે અને એકના એક જ ચહેરાઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં જોવા મળી શકે છે. આવા ભય સ્થાન રજૂ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં 10 કરોડની ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકાશે, અમિત શાહ પ્રારંભ કરાવશે
પેટા નિયમમાં શુ ફેરફાર કરવામાં આવ્યો?
સાધારણ સભામાં શુક્રવારે સાબરડેરીની ચૂંટણીના પેટાનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે મીડિયાને બતાવ્યુ હતુ કે, અગાઉ 700 લીટર વાર્ષિક દૂધ ભરાવનારા દુધ ઉત્પાદકને ચૂંટણી લડવા મળી શકતી હતી. હવે સાબરડેરીમાં 3500 લીટર દૂધ વાર્ષિક ઉત્પાદન કરીને સાબરડેરીને પુરુ પાડતા હોય એવા દુધ ઉત્પાદકને જ ચૂંટણીમાં ઉમેદવારી કરવા મળશે. આ પ્રકારનો નિયમ ફેરફાર કર્યો છે. એટલે કે સાબરડેરીના ડિરેક્ટર બનવા માટે વાર્ષિક 3500 લીટર એટલે કે ઓછામાં ઓછુ 10 લીટર દૈનિક દુધ ઉત્પાદન કરતા દુધ ઉત્પાદક બનવુ જરુરી છે.
શામળભાઈ પટેલે કહ્યુ હતુ, આ અંગેનો નિયમ અગાઉ 500 લીટર દુધનો હતો. જે 700 લીટર કરવામાં આવ્યો હતો. સાબરડેરીના હિત ખાતર આ નિર્ણય કર્યો છે. જેથી દુધ ઉત્પાદનમાં રસ ધરાવતા લોકો જ ચુંટણીમાં ઉમેદવારી કરી શકશે. જેથી ડેરીના એડમિનીસ્ટ્રેશનમાં તેનો સીધો લાભ મળશે. જે પશુપાલકોના હિતમાં હશે. તેઓએ કહ્યુ હતુ કે, બે ચાર લોકો અને ધવલસિંહ ભાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ સિવાય સૌએ આ નિર્ણયને સ્વિકાર્યો હતો. એટલે સૌના હિતમાં આ નિર્ણય છે.
પેટાનિયમમાં ફેરફારનો વિરોધ
બીજી તરફ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાધારણ સભા બાદ Tv9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, આ અંગે મે સભામાં વિરોધ નોંધાવ્યો છે. આ યોગ્ય નથી પશુપાલકોના હિતમાં અને જેનાથી નવા ચહેરાઓને બોર્ડમાં સ્થાન મળી શકશે નહીં. બીજી તરફ રાજકીય પક્ષના મેન્ડેટ અંગેની વાતનો અહીં છેદ ઉડી જશે. આ માટે ભાજપના પ્રદેશન અધ્યક્ષ સીઆર પાટીલને આ અંગે રજૂઆત કરાશે અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવશે.