સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. બંને જિલ્લાઓમાં વરસાદી માહોલ છેલ્લા બે દિવસથી રહેતા ખેડૂતો પરેશાન બન્યા છે. શુક્રવારે બપોર બાદ અને સાંજે વરસાદ વરસતા ખેતીના પાકોમાં વ્યાપક નુક્શાન સર્જાયુ હતુ. જોકે શનિવારે પણ વરસાદ વરસવાને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો સર્જાયો હતો. હિંમતનગર અને ઈડર વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે કરા સાથે વરસાદ વરસ્યા બાદ ભારે ગાજવીજ સાથે શનિવારે વરસાદે હવે ચિંતા વધારી દીધી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હોવાના સમાચાર આવ્યા હતા. શુક્રવારે બપોર બાદ અરવલ્લીમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ શનિવારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોને મોટા નુક્શાનની ભીતી સર્જાઈ છે. શુક્રવારે વરસાદ બાદ ચિંતામાં ડૂબેલા ખેડૂતો માટે હવે શનિવારે વરસાદ વરસતા ખેતીમાં મોટા નુક્શાનની ભીતી સર્જાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઈડર વિસ્તારમાં સાંજના અરસા દરમિયાન વરસાદ ખાબક્યો હતો. ઈડરના પૂર્વ પટ્ટાના કોટડા, રુવચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત હિંમતનગરના ચાંદરણી, ખેડ, તાશિયા, રામપુરા, બળવંતપુરા, નવા, ડેમાઈ, બેરણાં, કાંકણોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વિસ્તારના ખેડૂતો માટે શનિવારે વરસેલો વરસાદ હવે આફત સ્વરુપ લાગી રહ્યો હતો. શનિવારે હિંમતનગર શહેરમાં વરસાદ વરસતા રસ્તાઓ પર ચોમાસાની જેમ કમોસમી વરસાદનુ પાણી વહેતુ નજર આવવા લાગ્યુ હતુ.
શુક્વારે કમોસમી વરસાદ વરસતા શનિવારે સવારે ખેડૂતો ખેતરમાં પાકને નુક્શાન બાદ મન મનાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ શનિવારે સતત બીજા દિવસે વરસાદ વરસતા રહ્યો સહ્યો પાક પણ હવે નુક્શાન પામવાની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, એરંડા અને કઠોળ જેવા પાકમાં નુક્શાનની ભીતી સેવાઈ રહી છે.
સતત બીજા દિવસે મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શુક્રવારે મોડાસા, માલપુર, ભિલોડા અને મેઘરજ વિસ્તારના અનેક ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. શનિવારે ફરીથી ગાજવિજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ અરવલ્લીમાં પણ ખેડૂતોને માટે હવે મુશ્કેલ સમય જેવી સ્થિતી સર્જાઈ છે. મોડાસા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.