Rajkot : સિવિલ હોસ્પિટલમાં દારૂની રેલમછેલમ ! OPD બિલ્ડીંગની બહાર એક શખ્સ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સિવીલ હોસ્પિટલની OPD બિલ્ડીંગની બહાર એક શખ્સ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી 11 જેટલી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવીલ હોસ્પિટલ અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. બુધવારે સવારના સમયે સિવીલ હોસ્પિટલની OPD બિલ્ડીંગની બહાર એક શખ્સ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી 11 જેટલી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો.
પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસ તપાસમાં આ શખ્સનું નામ કમલેશ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી વધુ ૩ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ દ્રારા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને દેવા આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.જો કે આ ઘટના પોલીસની કાર્યવાહી અને સિવીલ હોસ્પિટલની સિક્યુરિટીની કાર્યવાહી સામે સવાલો ઉઠે છે.
સિવીલ સુપ્રિટેન્ડેન્ટે કાર્યવાહીની આપી ખાતરી
આ અંગે સિવીલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ TV9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આજે સવારે જે શખ્સ દારૂ સાથે ઝડપાયો તેની તપાસ કરવામાં આવશે. સિવીલ હોસ્પિટલના સિક્યુરિટી દ્રારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવશે અને કોઇ અસામાજિક તત્વ હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ખાલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી
સિવીલ હોસ્પિટલમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયા બાદ સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં ટીવીનાઇન દ્રારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફિસના પાછળ ખાલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.આ કેમ્પસમાં પાંચ થી દસ જેટલી ખાલી બોટલો મળી આવી હતી, ત્યારે સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે શું આ કેમ્પસ દારૂની મહેફિલ માટેનો અડ્ડો બની ગયો છે ?
જો કે આ પહેલી વાર આ પ્રકારની ઘટના નથી, આ પહેલા સિવીલ હોસ્પિટલમાં એક તબીબ ચાલુ ફરજે વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો.સોહિલ ખોખર નામનો તબીબ દારૂ પીધેલી હાલતમાં દર્દીઓની તપાસ કરતો હતો જો કે પોલીસે આ તબીબને પકડી પાડ્યો હતો.સિવીલ તંત્ર દ્રારા પણ આ તબીબને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ફરજ મોકુફ કરવામાં આવ્યો હતો.