રાજ્યનું પ્રથમ પોલીસ ઘોડિયાઘર રાજકોટમાં શરૂ, DGP આશિષ ભાટીયાએ કરાવ્યો શુભારંભ
રાજ્યના પોલીસ વડાએ પોલીસ હેડક્વાર્ટરના બગીચામાં તૈયાર કરવામાં આવેલા ઘોડિયા ઘરનો શુભારંભ કરાવ્યો હતો, આ ઘોડિયા ઘરનો ઉદ્દેશ પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસના સંતાનોના યોગ્ય રીતે ઉછેર થાય તે છે
રાજકોટ (Rajkot) ના પોલીસ હેડકવાર્ટર (Police Headquarters) ખાતે રાજ્યનું પ્રથમ પોલીસ પરિવાર માટેના ઘોડિયા ઘરનો રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા (DGP Ashish Bhatia) એ પ્રારંભ કરાવ્યો હતો.આજે રાજ્યના પોલીસ વડાએ પોલીસ હેડક્વાર્ટરના બગીચામાં તૈયાર કરવામાં આવેલા ઘોડિયા ઘરનો શુભારંભ કરાવ્યો હતો.આ ઘોડિયા ઘરનો ઉદ્દેશ પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસના સંતાનોની યોગ્ય રીતે ઉછેર કરવાનો છે.ખાસ કરીને એવા મહિલા પોલીસ કે જેઓ પતિ પત્નિ સાથે તેના ઘરે એકલા રહેતા હોય છે તેઓને ફરજના સમયે તેના સંતોનોની જાળવણી થાય તે હેતુથી આ ઘોડિયા ઘર તૈયાર કરવામાં આવ્યું છે,આ ઘોડિયા ઘરને પોલીસ પરિવાર દ્રારા અમૃત વાત્સલ્ય ઘોડિયા ઘર નામ આપવામાં આવ્યું છે.
આ અંગે ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યું હતું કે પોલીસ પરિવારમાં મહિલાઓની ભરતી પણ મોટા પ્રમાણમાં થાય છે તેવા સમયે મહિલાઓના બાળકોની પણ જાળવણી ખુબ જ જરૂરી છે ત્યારે રાજકોટ ખાતેનું ઘોડિયા ઘર મહિલા પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને મહિલાઓ પણ સારી રીતે ફરજ બજાવી શકશે.
ઘોડિયાઘરની આવી છે વ્યવસ્થા
રાજકોટ પોલીસ દ્રારા તૈયાર કરવામાં આવેલા ઘોડિયાઘર એક મોર્ડન પ્લે હાઉસ કરતાં જરા પણ ઓછું નથી.ઘોડિયાઘરની તમામ દિવાલોમાં ખાસ ચિત્રો ,કાર્ટુન તથા ગ્નાન સાથે ગમ્મત થાય તે પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે,નાના બાળકો (Children) માટે ઘોડિયાની સુવિધા પણ રાખવામાં આવી છે,આ ઉપરાંત વિવિધ પ્રકારના રમકડાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ ઘોડિયા ઘરમાં બાળકોને રમવાની સાથે સાથે જમવાની અને બાળકોને સુવા માટે બેડની સુવિધા પણ રાખવામાં આવી છે.બાળકોની સાર સંભાળ લેવા માટે એક મહિલા પોલીસ અને બે કેર ટેકર રાખવામાં આવ્યા છે.આ ઘોડિયા ઘરનો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યાનું રહેશે,
હાલમાં ૫૦ બાળકોનું રજીસ્ટ્રેશન થયું
પોલીસ પરિવાર દ્રારા શરૂ કરવામાં આવેલા ઘોડિયાઘરને વિશેષ પ્રતિસાદ મળી રહ્યો છે.પ્રથમ દિવસે જ અહીં ૫૦ જેટલા મહિલા પોલીસે તેના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.પોલીસ દ્રારા અહીં ૧૦૦ જેટલા બાળકો રહી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.બાળકો સારા વાતાવરણમાં રહી શકે તે માટેની રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિશેષ કાળજી રાખી રહ્યા છે.
પોલીસ માટે અંબા મંદિર, સ્પોટ્સ સંકુલ સહિતની વિશેષતા
છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટના પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલે પોલીસ પરિવાર માટે હેડક્વાર્ટરમાં વિશેષ સુવિધાઓ ઉભી કરી છે જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે અંબા માતાજીનું મંદિર,ટેનિસ કોર્ટ,ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતના સ્પોર્ટસ સંકુલ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રામનાથ પરા કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને હવે ઘોડિયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ
આ પણ વાંચોઃ રાજ્ય સરકારના વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત, જાણો કોણ છે આ પ્રધાન