Rajkot: ધોરાજીમાં ‘ખાડા’ પર રાજકારણ ! શહેરમાં ઠેક ઠેકાણે પડેલા ખાડાઓને લઇ ભાજપ-કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપ
રાજકોટમાં (Rajkot) મુશળધાર વરસાદના કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે. સ્થિતિ તાલુકાઓમાં વધુ વિકટ છે. વાત ધોરાજીની (Dhoraji) કરીએ તો આખુ શહેર ખાડા નગરી બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો ચાલવા લાયક પણ રહ્યા નથી.

દર વર્ષે સરકાર નવા અને ચકચકિત રોડ બનાવવાના વાયદાઓ કરે છે. વાયદાઓ મુજબ નવા રોડ બનાવે પણ છે. પરંતુ મામૂલી વરસાદમાં (Rain) તમામ રોડ સંપૂર્ણપણે ધોવાઇ જાય છે. ત્યારે ફરી એકવાર રાજ્યના રોડ પર પડેલા ખાડાઓએ સરકારની પોલ ખોલી દીધી છે. ખાડા પરથી પસાર થતી વખતે નાગરિકોના હાડકા ખોખરા થઇ જાય છે. વાહનોને પણ મોટા પાયે નુકસાન થાય છે. તેમ છતાં નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ગુજરાત ભલે સ્માર્ટ કહેવાતું હોય પરંતુ ખરેખર તો ગુજરાતમાં (Gujarat) વરસાદ બાદ ખાડા (pits) રાજ સ્થપાઈ ગયું છે.
અમદાવાદ હોય કે, રાજકોટ, વડોદરા હોય કે, સુરત તમામના નાના મોટા શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. ગુજરાત દરેક નગરોના રસ્તાઓ પર આ પ્રકારે જ ઠેકઠેકાણે મોટા ખાડાઓ પડી ગયા છે. દરેક શહેરોની હાલત આવી જ છે. પ્રજા વિરોધ અને રજૂઆતો કરીને થાકી ગઇ છે પરંતુ બદલામાં તેને તંત્ર તરફથી ફક્ત ઠાલા આશ્વાસન મળે છે.
ધોરાજી બન્યુ ખાડાનગરી
રાજકોટમાં મુશળધાર વરસાદના કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે. સ્થિતિ તાલુકાઓમાં વધુ વિકટ છે. વાત ધોરાજીની કરીએ તો આખુ શહેર ખાડા નગરી બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો ચાલવા લાયક પણ રહ્યા નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદ પહેલા સ્થાનિકોના રોષને ખાળવા લાખો રૂપિયાના ખર્ચે રેતી-કપચી નાંખી રોડને રિપેર કરવામાં આવ્યા. પરંતુ ધોરાજીમાં પડેલા વરસાદે તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે.
ભાજપ-કોંગ્રેસના એકબીજા પર આક્ષેપ
એક તરફ ખરાબ રોડ-રસ્તા અને ખાડાઓથી જનતા પરેશાન છે અને બીજી તરફ ભાજપ-કોંગ્રેસે રોડ-રસ્તાની સ્થિતિને લઈને રાજકારણ કરવામાં વ્યસ્ત છે. રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિજય બાબરીયાએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે ટેન્ડરના નીતિ-નિયમોને નેવે મૂકી અને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે
તો બીજી તરફ કોંગ્રેસના નેતા અને ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન એવા જગદીશ રાખોલીયાએ બચાવ કરતા ભાજપના આક્ષેપને ફગાવી દીધા. કોંગ્રેસે ભાજપ પર દોષનો ટોપલો ઢોળી આક્ષેપ કર્યો કે તમામ રસ્તાઓ ભાજપના શાસનમાં બન્યાં છે. તો ખરાબ રસ્તાની મરામત અંગે કોંગ્રેસે કહ્યું કે મેઘરાજા વિરામ લેશે તે બાદ જ રસ્તાનું રિપેરીંગ થઈ શકશે