ભારતીય જનતા પાર્ટી દ્રારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઇને સ્થાનિક નેતાઓ સદસ્યતા અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત બુધવારે રાજકોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કેટલાક જુના જોગીઓની ગેરહાજરી હતી, જેના કારણે પરશોત્તમ રૂપાલાએ માર્મિક ટકોર કરી હતી. રૂપાલાએ કહ્યું હતું કે સદસ્યતા અભિયાનમાં નવા કાર્યકર્તાઓને જોડવા જોઇએ પરંતુ નવા નેતાઓની લહાઇમાં જુના નેતાઓ ભુલાઇ ન જાય તેની તકેદારી રાખજો.
સદસ્યતા અભિયાન કાર્યક્રમ ભાજપની વિચારધારા સાથે લોકોને જોડવાનો છે. જો કે રાજકોટ ભાજપના કાર્યક્રમમાં વજુભાઇ વાળા, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયા, ગોવિંદ પટેલ, નિતીન ભારદ્રાજ, કશ્યપ શુક્લ સહિતના નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી. રૂપાલાએ કહ્યું હતું કે રાજકોટ ભાજપે સદસ્યતા અભિયાનમાં પુરા જોશથી કામગીરી કરવાની છે અને રાજ્યમાં દાખલારૂપ સદસ્ય બનાવવાના છે, પરંતુ તેની સાથે જુના જોગીઓને પણ આપણે ભુલવાના નથી. વજુભાઇ વાળા જેવા સિનીયર આગેવાનોના ઘરે જઇને તેઓને ભાજપના સદસ્ય બનાવવાની પણ શહેર સંગઠનને ટકોર કરી હતી. રૂપાલાએ નામ લીધા વિના જે જુના જોગીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેને ફરી સક્રિય કરીને સદસ્યતા અભિયાનમાં જોતરવા માટેની સલાહ પણ આપી હતી.
રાજકોટમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં પછી સ્થિતિ અલગ છે. દરેક તબક્કે ભાજપના બે જુથ આમને સામને જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સિવાય ભાજપના અન્ય કાર્યક્રમોમાં જુથવાદની આગ જોવા મળે છે. રાજકોટમાં હાલમાં શહેર ભાજપની સત્તાનું સૂકાન મુકેશ દોશી પાસે છે અને ભુતકાળમાં રહેલી ભાજપની પ્રથા મુજબ પ્રદેશના આગેવાન સત્તાની કમાન સંભાળી રહ્યા છે અને વહિવટી નિર્ણયમાં મહાનગરપાલિકાના હોદ્દેદારની મહત્વની ભુમિકા રહેલી છે, જેના કારણે જુના જોગીઓ સાઇડલાઇન થયાં છે. આ નેતાઓ પોતે નિજાનંદમાં હોવાનું કહીને સક્રિય રાજકારણથી દુર થઇ રહ્યા છે અને પાર્ટીના નિર્ણયોથી પોતાનું અંતર રાખી રહ્યા છે, જેના કારણે ભાજપમાં આંતરિક કલેહના લબકારા જોવા મળે છે.
રાજકારણમાં સત્તા ક્યારેક કોઇ એક વ્યક્તિ પાસે રહેતી નથી. હાલમાં રાજકોટ ભાજપના સુકાનીઓ શ્રેષ્ઠ કામગીરી કરવાની મહેનત કરી રહ્યા છે પરંતુ જૂના જોગીઓની દખલગીરીથી તેઓને ખલેલ પહોંચી રહી છે. રાજકોટના સત્તાધીશોનું માનવું છે કે જુના જોગીઓ જ્યારે સત્તા પર હતા ત્યારે તેઓની સાથે ખભ્ભે ખભ્ભા મિલાવીને તેઓ કામ કરતા હતા. દરેક નિર્ણયમાં અને દરેક બાબતોમાં તેઓનું માગદર્શન લેતા હતા. હવે જ્યારે પાર્ટીએ અમને જવાબદારી સોંપી છે ત્યારે જુના જોગીઓ સાઇડલાઇન થઇને બેસી ગયા છે અને દરેક તબક્કે વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે પાર્ટીને પણ નુકસાન થઇ રહ્યું છે. વર્તમાન શાસકો અને જુના જોગીઓ વચ્ચે સાચું કોણ અને ખોટું કોણ તે અંગે પાર્ટી હાઇકમાન્ડ નિર્ણય લેશે. પરંતુ ભાજપમાં બે જુથ હોવાને કારણે પાર્ટીમાં એકસૂત્રતા જળવાતી નથી તે એટલી જ વાસ્તવિકતા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:55 pm, Thu, 5 September 24