Rajkot : લાલ મરચા સહિત અન્ય મસાલામાં અસહ્ય ભાવ વધારો ગૃહિણીઓની આંખમાં લાવી રહ્યા છે પાણી
ગૃહિણીઓ મરચું, હળદર, ધાણાજીરું દળાવવા મસાલા માર્કેટ પહોંચે છે અને આખા વર્ષના મસાલા ભરે છે. પરંતુ આ વર્ષે મસાલા માર્કેટમાં દર વર્ષ જેટલી તેજી નથી દેખાઈ રહી.
ઉનાળાની શરૂઆત થતાં જ લોકો આખા વર્ષના મસાલા ભરતા હોય છે. ગૃહિણીઓ મરચું,હળદર,ધાણાજીરું દળાવવા મસાલા માર્કેટ પહોંચે છે અને આખા વર્ષના મસાલા ભરે છે. પરંતુ આ વર્ષે મસાલા માર્કેટમાં દર વર્ષ જેટલી તેજી નથી દેખાઈ રહી. મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો હોવાથી માર્કેટમાં સનકારો છવાઈ ગયો છે. મરચાના ભાવ ગતવર્ષ કરતા અધધ 100%નો વધારો
આ પણ વાંચો : રાજકોટમાંથી ઝડપાયેલા કફ સીરપમાં અફીણ હોવાનું સામે આવ્યુ, આ રીતે ચલાવતા હતા નશાનો કારોબાર
ગૃહિણીઓ દર વર્ષે મસાલા માર્કેટમાંથી મસાલાની ખરીદી કરી આખા વર્ષના મસાલા દળાવીને ભરતી હોય છે. પરંતુ આ વર્ષે તમામ જાતના મરચાના ભાવ આ વર્ષે ડબલ થઈ ગયા છે. કમોસમી વરસાદ અને ભેજ વાળા વાતાવરણના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન ઓછું થયું છે. જેથી મરચાના અને અન્ય મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે.
અલગ અલગ મરચાના રિટેઇલ(1 કિલોના) ભાવ,
ગયા વર્ષે મરચાનો ભાવ
રેશમ પટ્ટો 160, ડબલ રેશમ પટ્ટો 200, ઘોલર. 250, કાશ્મીરી ડબી 500, તીખી મરચી 180
આ વર્ષે મરચાનો ભાવ
રેશમ પટ્ટો 350, ડબલ રેશમ પટ્ટો 400, ઘોલર 450, કાશ્મીરી 700, તીખી મરચી 300
જીરું અને હળદરના ભાવમાં પણ 20 થી 40% નો વધારો
મરચાની સાથે સાથે જીરું અને હળદરના ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે જીરાનું ઉત્પાદન ઓછું થયું છે જેને લઇને જીરાના ભાવ આસમાને છે. ગત વર્ષે જીરું 250 થી લઈને 330 રૂપિયા કિલો મળતું હતું. જે આ વર્ષે 350 થી લઈને 450 રૂપિયે કિલો મળી રહ્યું છે. તો હળદરના ભાવમાં પણ 20% જેટલો ભાવ વધારો થયો છે.
ગૃહિણીઓએ ગતવર્ષ કરતા ઓછા મસાલાની ખરીદી કરી
મસાલાના ભાવમાં મોટા વધારાને કારણે આ વખતે ગૃહિણીઓએ ગત વર્ષ કરતાં અડધા જ મસાલાની ખરીદી કરી છે. જેમકે દરવર્ષે 5 કિલો મરચું ભરતા હોય તો આ વર્ષે 3 કિલો મરચું ભરીને જ ગૃહિણીઓએ સંતોષ માનવો પડ્યો છે. ખાસકરીને મરચાના ભાવમાં ડબલ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને આ મોંઘવારીને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે. તો મસાલાના ભાવમાં અસહ્ય ભાવવધારાને લઈને વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે અને ગતવર્ષ કરતા ઘરાકી પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે અને મસાલા માર્કેટ ખાલી જોવા મળી રહ્યું છે.