
રાજકોટના સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા અને સૌથી વધુ ગોજારા TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને આજે 15 મહિના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓના જામીન મંજૂર થયા છે.
25 મે 2024 ની શનિવારની સાંજનો એ ગોજારો દિવસ જ્યારે કેટલાક અધિકારીઓની ભ્રષ્ટ નીતિના પાપે ગેરકાયદે રીતે ધમધમતા TRP ગેમઝોનમાં આગ લાગી અને બાળકો સહિત 27 લોકો ભડથુ થઈ ગયા. આગ એટલી પ્રચંડ અને ભીષણ હતી કે લોકોના મૃતદેહો પણ મળ્યા ન હતા માત્ર માનવ અંગોના અવશેષો મળવા પામ્યા હતા. ન માત્ર ગુજરાત આ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. જે બાદ સમગ્ર અગ્નિકાંડની ઘટના માટે તપાસ સમિતિ નિમવામાં આવી હતી. જેમા અત્યાર સુધીમાં 6 આરોપીના જામીન મંજૂર થઈ ચુક્યા છે.
આ અગાઉ જાન્યુઆરી 2025માં ગુજરાત હાઈકોર્ટે TRP ગેમ ઝોન માં આરોપી ત્રણ સરકારી અધિકારીઓને જામીન આપ્યા છે. કોર્ટે ગુરુવારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (ATP) રાજેશ મકવાણા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ ATP ગૌતમ જોશીની જામીન અરજી મંજૂર કરી હતી.
જોકે, કોર્ટે આરોપી સસ્પેન્ડેડ TPO મનસુખ સગઠિયા, સસ્પેન્ડેડ ફાયર ઓફિસર ઈલેશ ખેર, એન્જિનિયર જયદીપ ચૌધરી અને જમીનમાલિકો અશોક સિંહ જાડેજા અને તેમના ભાઈ કિરીટ સિંહ જાડેજાની જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના 5 દિવસ બાદ રાજકોટ શહેર પોલીસે 30 મે ના રોજ RMCના પૂર્વ TPO મનસુખ સગઠિયાની ધરપકડ કરી હતી. આ દરમિયાન ACB સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો કેસ પણ નોંધ્યો હતો અને તપાસ દરમિયાન સાગઠિયાના ઘર તેમજ ઓફિસ સહિતના ઠેકાણાએથી 16 કરોડ રૂપિયાની કિંમતનું 22 કિલો સોનુ અને 3 કરોડ કેશ જપ્ત કર્યા હતા. ઉપરાંત કેટલીક રોકડ અને ગોલ્ડ તેના ભાઈની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યુ હતુ. સાગઠિયાએ અને તેના પરિવારજનોના નામે એકત્ર કરેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાનો સરકારે આદેશ કર્યો હતો. જે બાદ ACB ની તપાસમાં સાગઠિયાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલક્ત મળી આવી હતી. જે બાદ ભ્રષ્ટાચારની કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SIT ની તપાસમાં સામે આવ્યુ હતુ કે સાગઠિયા જાણતા હતા કે TRP ગેમ ઝોન, એક ગેમિંગ ઝોન કોમ્પ્લેક્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની યોગ્ય મંજૂરી વિના 2021 થી કાર્યરત છે. જોકે, ટાઉન પ્લાનરે ગેમિંગ ઝોન સામે કોઈ કાર્યવાહી કરી ન હતી, જેના કારણે આગ લાગી હતી. ટીઆરપી ગેમઝોનના 3000 ચો.મી.માં ગેરકાયદે બાંધકામમાં આગ લાગે તો કોઈ બચે નહીં તેવી બેદરકારી રાખવાના કેસમાં મનસુખ સાગઠિયા પર કલમ 304, 308 અને 36 સહિતના ગુનો નોંધાઈ ચુક્યો છે. જેમાં ખુલાસો થયો હતો કે, રાજકોટના અગ્નિકાંડમાં પહેલા દિવસે જ બાંધકામ પ્લાન મંજૂર નહીં હોવા છતાં તેને ચાર વર્ષથી ચલાવવામાં આવ્યું હતું. જેના પગલે સૌથી પહેલાં સાગઠિયા પાસેથી ટી.પી.ઓ.નો ચાર્જ મ્યુનિ.કમિશનરને બદલે સરકારે આંચકી લીધો હતો. બાદમાં બે દિવસ પહેલા તેની મનપામાં ચાલુ મિટીંગમાંથી પોલીસે અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી અને બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં આજે તેને 15 મહિના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
Published On - 12:36 pm, Tue, 2 September 25