Rajkot: બપોરના 1થી5 સુધી ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ, ગરમીનો પારો વધતા વાહનચાલકોના હિતને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
Rajkot: રાજકોટવાસીઓએ હવે કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભુ નહીં રહેવુ પડે. બપોરના 1થી 5 સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. ગરમીનો પારો વધતા વાહનચાલકોને ગરમીમાં શેકાવુ ન પડે તે હેતુથી ટ્રાફિક વિભાગે આ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ ગરમીનો પારો 40 સુધી પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે. હજુ પણ આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઉંચો જવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે ગરમીની શરૂઆત મોડી જરૂર થઈ છે, પરંતુ હવે કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. ત્યારે રાજકોટ ટ્રાફિક વિભાગ દ્વારા બપોરના સમયે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે બપોરના 1થી 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
રાજકોટમાં ટ્રાફિક સિગ્નલો 1થી 5 વાગ્યા દરમિયાન રહેશે બંધ
કાળઝાળ ગરમીથી બચી શકાય તે માટે રાજકોટ ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. જેથી વાહન ચાલકોને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહીને ગરમીમાં શેકાવું નહીં પડે. બપોરના સમયે આમ તો ઉનાળામાં આમ તો લોકો કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે, પરંતુ જેમને ફરજિયાત બહાર જવું પડે છે તેના માટે આ નિર્ણય મહત્વનો છે.
સામાન્ય રીતે 60થી 90 સેકન્ડ સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહે છે. આ સમય સાંભળવામાં તો નાનો લાગે છે, પરંતુ જ્યારે કાળઝાળ ગરમીમાં આટલો સમય ઉભુ રહેવું પડે ત્યારે ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આ નિર્ણયથી વધારે ફાયદો થશે અને ગરમી અને લું લાગવાથી બચી શકાશે.
ઉનાળામાં લુ લાગવાના બેભાન થવાના કેસો આવતા હોય છે
ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે ઘણી વખત લુ લાગવાના અને ક્યારેક લોકો બેભાન પણ થઈ જવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને લોકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વિભાગે પ્રયાસ કર્યો છે. આ સમય દરમિયાન અસહ્ય તડકો હોવાથી કામ વગર અથવા ખૂબ જરૂરી કામ હોય તો જ લોકો બહાર નીકળતા હોય છે. જેથી આ નિર્ણયના કારણે ટ્રાફિક વિભાગને પણ ટ્રાફિક સમસ્યાની કોઈ ખાસ મુશ્કેલી નહિ પડે. આ નિર્ણય આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…