Rajkot : રીબડા ગામ આજથી ગુંડાગીરીમાંથી આઝાદ થયું છે,મારે નિર્ભય રીબડા બનાવું છે : જયરાજસિંહ જાડેજા
રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં અનિરુદ્ધસિંહ જાડેજાની વિરુદ્ધમાં સંમેલનનું આયોજન કરાયું હતું આ સંમેલનમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને સમર્થન આપ્યું હોવાથી કિન્નાખોરી રાખીને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં અનિરુદ્ધસિંહ જાડેજાની વિરુદ્ધમાં સંમેલનનું આયોજન કરાયું હતું આ સંમેલનમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને સમર્થન આપ્યું હોવાથી કિન્નાખોરી રાખીને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.આ સંમેલનમાં સામેલ કેટલાક લોકોએ ભારત આઝાદ થયા બાદ પણ રીબડા આઝાદ ન થયું હોવાનું નિવેદન આપ્યું હતું જે અંગે નિવેદન આપતા જયરાજસિંહે કહ્યું હતું કે રીબડા આજથી આઝાદ થયું છે,હું એન્જિન બનીને આ ગામનો વિકાસ કરીશ.ગુંડાગીરી પુરી કરીશ,ભય દૂર કરીને મારે નિર્ભય રીબડા બનાવવું છે તેવો દાવો કર્યો હતો.
કોઇને દબાવવા માટે નહિ,સલામતી માટે ભેગા થયા છીએ-જયરાજસિંહ
વધુમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેનો પરિવાર ગુંડાગીરી ચલાવે છે.આપણે અહીં કોઇને દબાવવા માટે,કોઇનો વિરોધ કરવા માટે ,કોઇને નુકસાન પહોંચાડવા માટે ભેગા નથી થયા પરંતું આપણે આપણી સલામતી માટે ભેગા થયા છે.દરેક ખેડૂત કોઇપણ વ્યક્તિને પોતાની જમીન કમિશન આપ્યા વગર વેંચી શકે,દરેક વ્યક્તિ શાંતિથી પોતાનું કારખાનું ચલાવી શકે તે માટે અવાજ ઉઠાવવો જરૂરી છે,અને તમને કોઇ હેરાન કરે તો તેની સામે લડવા માટે હું તૈયાર છું,જરૂર પડીએ રીબડા ગામનું રખોપું કરવા પણ તૈયાર છું તેવું કહીને કટાક્ષ કર્યો હતો.
ભાજપ સરકારે રાજ્યમાંથી ગુંડાગીરી દુર કરી,પોલીસ બધા માટે સમાન
જયરાજસિંહે વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકારે રાજ્યમાંથી ગુંડાગીરી દૂર કરી છે હવે રીબડામાંથી પણ થશે.પોલીસ બધા માટે સમાન છે,પોલીસ કોઇની નથી જે ગુનો કરશે તેની સામે કડક કાર્યવાહી કરશે.કોઇ એવું કહે કે પોલીસ જયરાજસિંહની છે તેવું નથી જયરાજસિંહ હોય,XYZ હોય કે પછી અનિરુદ્ધસિંહ હોય કે તેની ઓલાદ બધા માટે કાયદો એક સમાન છે.
અનિરુદ્ઘસિંહ જાડેજા સહિત 6 સામે નોંધાયો ગુનો
વિધાનસભાની ચૂંટણીની અદાવતમાં જયરાજસિંહનું સંમેલન યોજનાર અમિત ખૂંટ નામના યુવાને બુધવારે રાજદિપસિંહ જાડેજાએ તેમના પર હુમલો કરીને જાનથી મારી નાખવાનો આક્ષેપ કર્યો હતો.જે બાદ પાટીદાર સમાજનું એક ટોળું એકઠું થયું હતું અને જયરાજસિંહના ઘરે પહોંચ્યું હતું જે બાદ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા,રાજદિપસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા,ટીનુભા જાડેજા,ધ્રુવરાજસિંહ જાડેજા અને લાલભાઇ સામે આઇપીસી કલમ ૩૨૩,૫૦૬(૨),૧૧૪,૩૪૧,૫૦૪ અને આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અનિરુદ્ઘસિંહે આક્ષેપોને ફગાવ્યા હતા
આ હુમલાની ઘટના બાદ અનિરુદ્ધસિંહે આક્ષેપોને ફગાવ્યા હતા.અનિરુદ્ઘસિંહે કહ્યું હતું કે પૂર્વધારાસભ્ય જયરાજસિંહ દ્રારા તેને અને તેના પરિવારને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે અને પાટીદાર સમાજ સામે ખોટી રીતે દર્શાવી રહ્યા છે.ઉલટાનું 50 થી વધારે કારનો કાફલો મારા ઘરે હુમલો કરવા માટે પહોંચ્યો હતો.