
મેળો એટલે મોજ મસ્તી અને આનંદ કરવાનું સ્થળ, સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની રજાઓમાં મેળાનું અનેરુ મહત્વ છે. શાળા-કોલેજોમાં પણ 5 દિવસની રજાઓ સાથે મિનિ વેકેશન પડી જાય છે અને છઠ્ઠના પર્વથી જ મેળાનો પ્રારંભ થઈ જાય છે. ત્યારે રાજકોટના ભવ્ય લોકમેળામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અને આસપાસના ગામોના લોકો પહોંચી રહ્યા છે. બાળકો, યુવાનો અને મોટેરાઓ પણ મેળામાં મ્હાલતા જોવા મળી રહ્યા છે. આ વખતે રાજકોટના લોકમેળામાં 34 જેટલી વિવિધ રાઈડ્સ જોવા મળી રહી છે. આ તમામ અલગ અલગ રાઈડ્સમાં બેસીને ખાસ કરીને બાળકો ને અત્યંત મજા આવી રહી છે. બાળકોની સાથે તેમના માતાપિતા પણ મેળાની રંગત માણી રહ્યા છે.
મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ ની સાથે વિવિધ મનોરંજનના સ્ટોલ્સ તેમજ રમકડાના સ્ટોલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના રમકડા બાળકોનું મન મોહી રહ્યા છે તો માતાપિતા પણ મોટુ મન રાખી બાળકોને ગમતા રમકડા અપાવી રહ્યા છે. બાળકોને મન રમકડા પ્રત્યે વિશેષ લગાવ હોય છે અને આથી જ તેઓ ખાસ મેળાની રાહ જોતા હોય છે. હાલ આ મેળામાં ડ્રોન, રિમોટવાળી કાર્સ આકર્ષણ જમાવી રહી છે.
જુઓ મેળાની રંગત સંગતનો વીડિયો
આ તરફ વિવિધ રાઈડ્સમાં બેસી લોકો પણ મોજ મસ્તી અને રોમાંચ અનુભવી રહ્યા છે. આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા આ મેળામાં કેટલાક લોકો પારંપારિક પોષાક પહેરીને ફરી રહ્યા છે. આ જ તો મેળાની સુંદરતા છે જ્યાં કોઈ જ નાત-જાત, અમીર-ગરીબના ભેદભાવ વિના સહુ કોઈ ફરી શકે છે. આનંદ-કિલ્લોલ કરી શકે છે. પાંચ દિવસ સુધી ચાલતા આ લોકમેળાને લોકો મન ભરીને માણે છે અને જીવનની તમામ મુશ્કેલીઓને થોડી કલાકો માટે ભૂલી જાય છે અને મેળાની પણ આ ખાસીયત છે કે એ તમને બધુ ભૂલાવી દેશે અને મોજમસ્તીમાં ડૂબાડી દેશે. જન્માષ્ટમી અને સાતમ-આઠમના પર્વની રજાઓમાં રાજકોટનો લોકમેળો લોકો માટે મોજ, મસ્તી અને રોમાંચનું કેન્દ્ર બન્યો છે. હાલ આ મેળાના આકાશી દૃશ્યો પણ સામે આવ્યા છે. આકાશથી જુઓ તો રાજકોટનો લોકમેળો જાણે ઝગમગતું શહેર લાગી રહ્યો છે!
Input Credit- Mohit Bhatt-Rajkot
Published On - 6:02 pm, Fri, 4 September 26