Rajkot: જલારામ ચોકમાં આયોજિત હિંડોળા રાસનું અનેરું મહત્વ, મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા-Video
Rajkot: જલારામ ચોકમાં આયોજિત થતા ખોડિયાર માતાજીના હિંડોળા રાસનું અનેરુ મહત્વ છે. હજારો નિ:સંતાન દંપતીઓે આ રાસની માનતા રાખે છે અને આ રાસની માનતા રાખવાથી સંતાન પ્રાપ્તિ થતી હોવાનુ અનેક શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે. જે દંપતી હિંડોળા રાસની માન્યતા રાખે છે તે દરેક દંપતી સંતાન પ્રાપ્તિ થયા પછી સંતાનને લઈને માનતા પુરી કરવા આવે છે. છેલ્લા 21 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આ હિંડોળા રાસનું આયોજન કરવામાં આવે છે.
Rajkot: છેલ્લા કેટલાક વર્ષોથી અર્વાચીન રાસ ગરબાઓનું મહત્વ વધ્યું છે. રાજકોટમાં ચોકે ચોકે અનોખા પ્રાચીન ગરબા વર્ષોથી થાય છે અને દરેકનું કંઇકને કંઇક ખાસ મહત્વ છે. જેમાંનું એક છે જલારામ ચોકનું નવદુર્ગા ગરબી મંડળ દ્વારા થતા ગરબા. ભક્તિનગર સર્કલ નજીક આવેલા જલારામ ચોકમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા અનોખા પ્રાચીન ગરબા યોજાય છે.જેમાં સનાતન ધર્મનું મહત્વ જાળવી રાખતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા રાસ રજુ થાય છે.
ખોડિયાર માતાજીના હિંડોળા રાસનું આગવું મહત્વ
જલારામ ચોક ખાતે છેલ્લા 21 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળમાં પ્રાચીન રાસગરબાનું આયોજન થાય છે. આ પ્રાચીન ગરબામાં ખોડીયાર માતાજીનો હિંડોળા રાસ દર નવરાત્રીમાં ત્રીજા,છઠ્ઠા અને નવમા નોરતે આયોજન કરવામાં આવે છે. ખોડીયાર માતાજીના હિંડોળા રાસનું આગવું મહત્વ છે. આ હિંડોળા રાસ જોવા આવીને લોકો પોતાની જે મનોકામના હોય છે તે પૂરી થાય છે. માન્યતા એવી છે કે ખોડીયાર માતાજીનો હિંડોળા રાસમાં માતાજીની જે માનતા માનવામાં આવે છે તે આવતા વર્ષની નવરાત્રી સુધીમાં પૂરી થાય છે અને માનતા પૂરી થતાં શ્રધ્ધાળુઓ હિંડોળા રાસમાં માતાજીને શીશ ઝુકાવવા આવે છે. હિંડોળા રાસના ખોડીયાર માતાજીની માનતાથી અત્યાર સુધીમાં હજારો નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થઈ છે.
વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવી માનતા રાખે છે અને ફળપ્રાપ્તિ બાદ માનતા ઉતારવા આવે છે
Tv9ની ટીમ જ્યારે જલારામ ચોક ખાતે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં દંપતીઓ પોતાના સંતાન લઈને માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. Tv9 સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે તેઓએ માતાજીને માનતા કરી હતી જે આ વર્ષે માતાજીએ પૂર્ણ કરી છે અને તેઓ પોતાના સંતાનને માતાજીના દર્શન કરાવવા માટે લઈને આવ્યા છે. કેટલાક દંપતીઓ તો વિદેશથી માનતા માનવા અને માનતા પૂરી કરવા માટે આવે છે. માનતા પૂરી કરવા આવનાર લોકો મોટી સંખ્યામાં આવતા હોવાથી તેમને ટોકન આપવામાં આવે છે અને રાસ પૂર્ણ થયા બાદ તેમના વારા પ્રમાણે માતાજીના દર્શન કરીને તેઓ પોતાની માનતા પૂર્ણ કરે છે.
આ પણ વાંચો: Rajkot: પાછોતરા વરસાદને કારણે કપાસમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન- Video
આ રાસ જોવા માટે દર વર્ષે આવે છે હજારો લોકો
દર ત્રીજા, છઠ્ઠા અને નવમા નોરતે ખોડીયાર માતાજીના હિંડોળા રાસનું આયોજન થાય છે, આ રાસ જોવા 10થી 12 હજાર લોકો ઉમટી પડે છે. આ રાસમાં ખોડીયાર માતાજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આ હિંડોળો ખાસ કારિગરો પાસે તૈયાર કરાવવામાં આવ્યો છે. આ હિંડોળા રાસમાં માનતા માનવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે, માન્યતા મુજબ હિંડોળા રાસમાં જે બાળા ખોડીયાર માતાજી બને છે તેના સ્વરૂપે સાક્ષાત ખોડીયાર માતાજી જ ગરબે ઘુમવા આવે છે અને શ્રધ્ધાળુઓ આશીર્વાદ આપે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો