Rajkot: સિંહપ્રેમીઓ માટે ખુશખબર, સાસણગીર બાદ હવે રાજકોટમાં પણ બનશે લાયન સફારી પાર્ક
Rajkot: સિંહપ્રેમીઓને હવે વધુ એક નજરાણુ મળવા જઈ રહ્યુ છે. સાસણગીર બાદ હવે રાજકોટમાં પણ લાયન સફારી પાર્ક બનશે. RMC દ્વારા જમીન સંપાદન સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ લાયન સફારી પાર્ક માટે ઝુ વિભાગની ટીમે દેશના સફારી પાર્કનો અભ્યાસ પણ શરૂ કર્યો છે તેમજ જમીન માપણી સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર કરેલા બજેટમાં શહેરના પૂર્વ વિસ્તાર રાંદેરડાં તળાવ પાછળ આવેલી જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. 10 કરોડ રૂપિયાના ખર્ચે અહીં નમુનેદાર સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં રાજકોટ શહેરને પર્યટન ક્ષેત્રે નવી ભેટ મળવા જઈ રહી છે.
જમીન માપણી સહિતની કાર્યવાહી શરૂ કરાઈ-મ્યુ કમિશનર
આ અંગે ટીવીનાઇન સાથેની વાતચીત કરતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે લાયન સફારી પાર્ક તૈયાર કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદ્યુમન પાર્ક ઝુ નજીક રાંદરડા તળાવ પાછળ 30 હેક્ટર જેટલી જમીન મહાનગરપાલિકાને અગાઉ ફાળવવામાં આવી છે. આમ તો ઝુ ઓથોરિટીના નિયમ પ્રમાણે સફારી પાર્ક તૈયાર કરવા માટે 20 હેક્ટર જમીનની જરૂરિયાત હોય છે, પરંતુ મહાનગરપાલિકા પાસે પુરતા પ્રમાણમાં જમીન હોવાથી વિશાળ અને નમૂનેદાર સફારી પાર્ક બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
આ અંગે જરૂર દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ડીએલએઆર પાસે માપણી પણ કરાવવામાં આવી રહી છે. જમીન માપણી થયા બાદ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે મંજૂરી મેળવવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકા પાસે જમીન અંગેની વિગતો પૂર્ણ થયા બાદ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અને સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલી દેવામાં આવશે. તમામ તૈયારીઓ થયા બાદ સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ટીમ પણ ચકાસણી અંગે આવશે અને તેની લીલીઝંડી બાદ સફારી પાર્કની કામગીરી શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં ઝુ સફારી પાર્ક તૈયાર કરવા માટેની મહાનગરપાલિકાએ જાહેરાત કર્યા બાદ હવે આ અંગેનો અભ્યાસ કરવાની પણ શરૂઆત કરાઈ છે. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેશમાં આવેલા અન્ય સફારી પાર્કની મુલાકાત લઈને તેના અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની એક ટીમ દ્વારા દેવડિયા સફારી પાર્ક અને તાજેતરમાં બનેલા નાગપુરના સફારી પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં સફારી પાર્કમાં ક્યા પ્રકારની વ્યવસ્થા હોય છે? શું તકેદારી રાખવી પડતી હોય છે? સ્ટાફની જરૂરિયાત કેટલી હોય છે તે તમામ મુદ્દે અભ્યાસ હાથ ધરવામાં આવતો હોય છે.