Rajkot: બાઈક ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, આરોપી ચોરી કરીને બાઈકનું નામોનિશાન મિટાવી દેતો
જ્યાંથી પોલીસે કુલ 11 આખા ટુ વ્હીલર અને અલગ અલગ અનેક ટુ વ્હીલરના એન્જિન સહિતના સ્પેરપાર્ટસ મળી આવ્યા હતા.અબ્દુલ પઠાણ નામનો આરોપી ઝડપાવાથી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 11 કેસનો ભેદ પણ એક સાથે ઉકેલાયો છે
રાજકોટ શહેરમાં ધાર્મિક સ્થળો તેમજ વધુ લોકોની અવરજવર વાળા સ્થળ પરથી ટુ વ્હીલર ચોરાવાની ફરિયાદ મળી રહી હતી.એ ડિવિઝન પોલીસને વાહન ચોરી મુદ્દે મોટી સફળતા મળી છે જેમાં પોલીસે 50થી વધુ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.આ આરોપી સામાન્ય ચોર નહોતો પરંતુ બાઈકની ચોરી કરીને બાઈકને હતુ નહોતું કરી દેતો હતો.પોલીસે અબ્દુલ પઠાણ નામના આરોપીને ઝડપી પાડી 50 થી વધુ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે
11 કેસનો ભેદ ઉકેલાયો,50થી વધુ બાઈક ચોરી કબુલી
રાજકોટ શહેરની એ ડિવિઝન પોલીસને મળેલી બાતમી મુજબ હોસ્પિટલ ચોક નજીકથી ચોરાઉ સ્પ્લેન્ડર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ કરી હતી જેમાં તેણે તે બાઈક બાલાજી મંદિરના પાર્કિંગમાથી ચોર્યું હોવાની કબૂલાત આપી હતી.પોલીસને શંકા હતી કે આરોપીએ વધુ બાઈક ચોરી કરી હશે જે સંદર્ભે અબ્દુલ પઠાણની વધુ પૂછપરછ કરતા તેણે આ સિવાય પણ અનેક બાઈક ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી. પોતાના ઘરની સામે ગાર્ડનની દિવાલ પાસે બાઈકના સ્પેરપાર્ટ અને બાઈક ચોરી કરીને રાખ્યા હોવાનું કબૂલ્યું હતું.જે મુજબ પોલીસે જામનગર રોડ વિસ્તારમાં આવેલી વોરા સોસાયટીમાં આરોપીના ઘરની સામે આવેલી જગ્યામાં તપાસ કરી હતી.
જ્યાંથી પોલીસે કુલ 11 આખા ટુ વ્હીલર અને અલગ અલગ અનેક ટુ વ્હીલરના એન્જિન સહિતના સ્પેરપાર્ટસ મળી આવ્યા હતા.અબ્દુલ પઠાણ નામનો આરોપી ઝડપાવાથી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 11 કેસનો ભેદ પણ એક સાથે ઉકેલાયો છે અને આરોપી અબ્દુલએ 50થી વધુ બાઈક ચોરીને અંજામ આપ્યાનું પણ કબૂલ્યું હતું.
આ છે આરોપીની મોડેસ ઓપરેન્ડી
આરોપી અબ્દુલની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી રાજકોટના અલગ અલગ સ્થળોએ તહેવારના દિવસે ઉપરાંત લોકોની વધુ અવર જવર હોય તેવા સ્થળે પાર્ક કરાયેલા ટુ વ્હીલરની ચોરી કરતો હતો અને ચોરી કરી પોતે ગેરેજ ચલાવતો હતો હોવાથી ટુ વ્હીલરના તમામ સ્પેરપાર્ટસ ખોલીને આખી ગાડી ખોલી નાખતો હતો આ ઉપરાંત ટુ વ્હીલર ના એન્જિન પર લખેલા ચેસીસ નંબર ગ્રાઈન્ડરથી ચેકી નાખતો હતો. આ સ્પેરપાર્ટસ પોતાના ગેરેજ પર રીપેરીંગ કરવા માટે આવતા ગ્રાહકોના ટુ વ્હીલર્સમાં જરૂરિયાત મુજબ ફીટ કરી આપી રૂપિયા કમાતો હતો.
આખું બાઈક ખોલીને તેના સ્પેરપાર્ટસ અલગ અલગ કરી નાખતો હતો
આરોપી અબ્દુલ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી ટુ વ્હીલર ચોરીના ગુનાને અંજામ આપી રહ્યો હતો.આ ઉપરાંત તે ટુ વ્હીલરની ચોરી કરીને પોતે આજુબાજુમાં આવેલા સીસીટીવીમાં કેદ ન થઈ જાય તેની પણ ખાસ તકેદારી રાખતો હતો.અને બીજી મહત્વની વાત એ છે કે અબ્દુલ કોઈપણ બાઈક ચોરી કરીને આવે ત્યારબાદ તરત જ આખું બાઈક ખોલીને તેના સ્પેરપાર્ટસ અલગ અલગ કરી નાખતો હતો.આરોપી પકડાઈ ન જાય તે માટે તેણે અત્યાર સુધી આખું બાઈક ક્યારેય વેચ્યું નથી.
આખરે અબ્દુલ પોલીસના સકંજામાં આવી ગયો
આ ઉપરાંત તેણે ટુ વ્હીલરના સ્પેરપાર્ટસ જથ્થા બંધમાં પણ કોઈને વહેંચ્યા નહોતા. તે માત્ર પોતાના ગેરેજ પર આવતા ગ્રાહકોના ટુ વ્હીલર્સમાં જ આ સ્પેરપાર્ટસનો ઉપયોગ કરતો હતો. અબ્દુલને એમ હતું કે તેનું આ કૌભાંડ ચાલતું રહેશે અને આ કૌભાંડ ચાર વર્ષ કરતા વધુ સમય સુધી ચાલ્યું પણ ખરું.. પરંતુ “કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ” કહેવત મુજબ આખરે અબ્દુલ પોલીસના સકંજામાં આવી ગયો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…