Rajkot : પિતાની છત્રછાયા ગુમાવનાર 22 દીકરીઓના ધામધૂમ પૂર્વક વિવાહ થયા ,લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રાજકોટમા "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ દ્વારા સતત પાંચમા વર્ષે 22 દીકરીઓ કે જેના જીવનમાંથી પિતા સમાન મેઘધનુષરૂપી રંગો ઈશ્વરે છીનવી લીધા છે અને તેની સાથે રાજકોટની વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન ધામ - ધુમથી જાજરમાન રીતે શાહી ઠાઠ-માઠથી થયા હતા

રાજકોટમા “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા સતત પાંચમા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ જરૂરીયાતમંદ ગરીબ પરિવારની દીકરીઓનો સમુહ લગ્નોત્સવ વહાલુડીના વિવાહનું જાજરમાન આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યુ હતું . આ લગ્નોત્સવમા આ વર્ષે 22 દીકરીઓ કે જેના જીવનમાંથી પિતા સમાન મેઘધનુષરૂપી રંગો ઈશ્વરે છીનવી લીધા છે અને તેની સાથે રાજકોટની વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની એક દીકરી કે જેના જીવનમા દ્રષ્ટિ સમાન નવરંગ આપતા કુદરત ભુલી ગયું હતું તેવી દીકરીઓના લગ્ન ધામ – ધુમથી જાજરમાન રીતે શાહી ઠાઠ-માઠથી થયા હતા. બેન્ડવાજા , ઢોલ – નગારા અને શરણાઇઓના સુર તેમજ ડી .જે .ના તાલની સાથે રાસની રમઝટના સથવારે એક સાથે 23-23 વરરાજાઓ અને જાનૈયા પરિવારનું ભવ્યાતિ ભવ્ય વરઘોડોનું આયોજન કરવામાં આવ્યુ હતું .
23 દીકરીઓના લગ્ન મંડપને પણ વિશિષ્ટ અને કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યા
દીકરાનું ઘર – પરિવાર આયોજિત આ લગ્નોત્સવમા સમગ્ર લગ્ન પરિસરને રંગબેરંગી લાઈટો અને ફુલોથી શણગાર કરવામા આવ્યો હતો . લગ્ન પરિસરમા શ્રીનાથજી ભગવાનના અન્નકુટ દર્શન અને રાધા-ક્રુષ્ણની પ્રતીક્રુતિ અને હિડોળા દર્શન રાખવામા આવ્યા હતા . આ ઉપરાંત દીકરીઓને આપવામાં આવેલ ૨૫૦ થી વધુ ચીજ વસ્તુઓનો ફર્નિચર , સોના -ચાંદીના દાગીના , કપડાં , વાસણ અને ફર્નિચર સહિતના સમ્રુદ્ધ કરિયાવર પણ જોવા માટે રાખવામાં રાખવામાં આવ્યા હતો. 23 દીકરીઓના લગ્ન મંડપને પણ વિશિષ્ટ અને કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા ,લગ્ન મંડપમા દીકરીઓના આગમન વખતે ફુલોની વર્ષાનું દ્રશ્ય જોતા જાણે તમામ સૌભાગ્યશાળી દીકરીઓ ઉપર આકાશમાંથી જાણે ૩૩ કરોડ દેવી – દેવતાઓ પુષ્પ વર્ષા કરી અમુલખ આશીર્વાદ વરસાવતા હોય તેવું દિવ્ય અને અલૌકિક વાતાવરણ આકાર પામ્યુ હતું અને હાજર સર્વે મહેમાનો અને મહાનુભાવોની આંખોમાંથી હર્ષની લાગણીઓ વહેવા લાગી હતી અને સૌએ આ પ્રસંગને તાળીઓથી વધાવી લીધો હતો.
250 થી વસ્તુઓનું આણૂ દર્શન અને દાંડિયા રાસનું આયોજન
દીકરી અને જાનૈયા પરિવાર , આમંત્રિત મહેમાનો , કાર્યકર્તા પરિવાર અને વિશિષ્ઠ અતિથિઓ એમ ક્યાંય અવ્યવસ્થાના સર્જાય તેવી ઉમદા ભોજન વ્યવસ્થા ગોઠવવામા આવી હતી . યુવાનો માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામા આવ્યો હતો . પ્રસંગને અનુરૂપ લગ્ન ગીતોની રમઝટ અને ફટાણાના ગાન વચ્ચે શ્લોકોના પઠન , દેવતાઓનું પુજન અને હવનની વેદીમા આહુતિઓ સહિતની હિંદુ ધર્મ પ્રમાણે સંપુર્ણ વૈદિક અને શાસ્ત્રોકત વિધિ કરાવવામા આવી હતી .આજના આ લગ્નોત્સવ પૂર્વે ગણપતિજી પુજન અને મંડપ મુહુર્ત કરવામાં આવ્યુ હતું તેમજ દીકરીઓને કરિયાવર સ્વરૂપે આપવામાં આવનાર 250 થી વસ્તુઓનું આણૂ દર્શન અને દાંડિયા રાસની સાથે દીકરીઓ ઉપરના એક લાગણી સભર કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યુ હતું . રાજકોટના આદ્રોજા પરિવાર દ્વારા આ લગ્નોત્સવની તમામ 23 દીકરીઓને 1-1 તોલા સોનાની ભેંટ પણ આપવામા આવી છે . સંસ્થા દ્વારા તમામ દીકરીઓને મહેંદી મુકવાની અને લગ્નોત્સવ વખતે દુલ્હન સ્વરૂપ તૈયાર કરવા બ્યુટી પાર્લર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી .
111 દીકરીઓને પણ તેમની સખીના લગ્નનું આમંત્રણ
તમામ દીકરીઓનો રૂપિયા પાંચ લાખની રકમનો એક વર્ષની અવધિનો એક્સિડેન્ટલ વીમો પણ સંસ્થા દ્વારા ઉતારાવવામા આવ્યો છે .દીકરાનું ઘર પરિવારને કુલ ૧૧૩ દીકરીઓના માતા – પિતા અને પરિવાર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે . આ ઉપરાંત અગાઉ યોજાયેલ ચાર સમુહ લગ્નની કુલ ૮૮ દીકરીઓને પણ આ લગ્નોત્સવમા ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ હતું અને એ દરેક દીકરીઓને સ્મ્રૂતિરૂપ શીખ ભેંટ પણ સંસ્થા દ્વારા આપવામા આવી હતી . તેમજ આ વખતે આયોજિત લગ્નોત્સવમા સામેલ વી.ડી .પારેખ અંધ મહિલા ગ્રૂહની દીકરી મમતા હરીયાણીની સાથે અંધ મહિલા આશ્રમમા નિવાસ કરતી કુલ 111 દીકરીઓને પણ તેમની સખીના લગ્નનું આમંત્રણ આપી તેડાવવામા આવી હતી અને દરેક દીકરીને ભેટ આપવામાં આવી હતી.
દીકરાનું ઘર સંસ્થાની સ્થાપનાનું આ વર્ષે ૨૫મું વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષ હોય સંસ્થા પરિવાર દ્વારા આ સમગ્ર વર્ષને સેવા પ્રકલ્પ વર્ષ તરીકે ઉજવવામા આવનાર હોય સૌરાષ્ટ્ર -ગુજરાતના સેવા જગતના દાતાઓને સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવા પ્રકલ્પોમા વિશાળ હદયથી અને છુટ્ટા હાથ અને હૈયાથી સહભાગી થવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
દીકરાનું ઘર આયોજિત માણવા અને જાણવા લાયક વ્હાલુડીના વિવાહ-5 ના આ જાજરમાન લગ્નોત્સવમા દીકરાનું ઘર મા નિવાસ કરતા તમામ વડીલ માવતરો , દાતાઓ – શુભેચ્છકો , સાધુ -સંતો સહિત તેમજ તમામ રાજકીય પક્ષોના આગેવાનો તથા હોદ્દેદારો , રાજકોટ શહેરની વિવિધ કચેરીઓના ટોચના અધિકારીઓ , સહકારી ક્ષેત્રના અગ્રણીઑ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓ અને અધ્યાપકઓ તેમજ સંલગ્ન કોલેજો અને શાળાઓના સંચાલકો સહિત તમામ અધિકારી અને પદાધિકારીઓ , સેવા અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ , વ્યાપારિક અગ્રણીઓ , ખ્યાતનામ ડૉકટરો , એન્જિનિયરો , મોટા ગજાના બિલ્ડરો , આર્કિટેક, તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો ખુબ જ મોટી સંખ્યામા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ પરિણીત દંપતિઓને આશીર્વાદ અને સુખમય અને મંગલમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી